ગુજરાત

gujarat

ETV Bharat / state

બોપલ હત્યા કેસ : પ્રિયાંશુ માટે આ બાળક બન્યો હતો દેવદૂત, જાણો સમગ્ર ઘટના - BOPAL MURDER CASE

બોપલ હત્યા કેસમાં એક તરફ રક્ષક જ ભક્ષક બન્યો, બીજી તરફ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા 13 વર્ષીય બાળક પ્રિયાંશુ માટે દેવદૂત બન્યો...

અમદાવાદમાં પ્રિયાંશુ જૈનની હત્યા
અમદાવાદમાં પ્રિયાંશુ જૈનની હત્યા (Etv bharat Guajrat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 9:02 AM IST

Updated : Nov 18, 2024, 1:17 PM IST

અમદાવાદ :બોપલમાં થયેલ પ્રિયાંશુ જૈનની હત્યાની સમગ્ર ઘટનામાં વચ્ચે એક 13 વર્ષીય બાળક તથા તેની માતાની વાત આવે છે. પ્રિયાંશુ જૈનને છરીના ઘા ઝીંકી આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા નાસી ભાગ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે એક 13 વર્ષીય બાળક પોતાની માતા સાથે કારમાં આવે છે અને પ્રિયાંશુ તથા તેના મિત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે.

શું બન્યું એ રાત્રે ?ગત 10 નવેમ્બર, રવિવારના દિવસે કાર ધીમે ચલાવવા જેવી નજીવી બાબતમાં અદાવત રાખીને વિરેન્દ્રસિંહ પઢેરીયા નામના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પ્રિયાંશુ જૈન નામના એક વિદ્યાર્થીને છરી ઘા ઝીંકવામાં આવે છે. બાદમાં હુમલાખોર ત્યાંથી ભાગી જાય છે.

લોહીમાં લથપથ પ્રિયાંશુ :પ્રિયાંશુની હાલત અતિ ગંભીર હોય છે, તાત્કાલિક સારવારની જરૂર જણાય છે. પ્રિયાંશુનો મિત્ર આસપાસ મદદ માટે બૂમાબૂમ કરે છે પરંતુ કોઈપણ વ્યક્તિ તેમની મદદ માટે તૈયાર નથી હોતું. લોકો આવે છે પોતાની ગાડી ઉભી રાખે છે, જુએ છે, પરંતુ કોઈ તેમને મદદ કરતું નથી.

દેવદૂત બન્યો 13 વર્ષીય બાળક :એટલામાં એક મહિલા તેના 13 વર્ષના બાળક સાથે પોતાની કારમાં ત્યાંથી પસાર થાય છે. તે બાળકની અને મહિલાની નજર મદદ માટે બૂમાબૂમ કરતા પ્રિયાંશુના મિત્ર તથા લોહીમાં લથપથ અને પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણતા પ્રિયાંશ પર પડે છે. સાથે જ મહિલા જુએ છે કે અન્ય કેટલાક લોકો ત્યાં આવે છે ઉભા રહે છે, પરંતુ કોઈ પ્રિયાંશુ કે તેના મિત્રની મદદ કરતા નથી.

જોકે આ બધું જોઈને 13 વર્ષીય બાળકમાં સંવેદના જાગે છે. બાળક તેની માતાને પ્રિયાંશુની મદદ કરવા માટે કહે છે. માતા થોડી વાર વિચારે છે, તેને લાગે છે અન્ય કોઈ તેની મદદ કરશે. પરંતુ કોઈ પ્રિયાંશુંની મદદ કરતું નથી. એકલી મહિલા રાત્રિના સમયમાં પોતાના નાના બાળક સાથે હોય અને સામે મદદ માટે રાડ પાડતો લોહીમાં લથપથ કોઈ વ્યક્તિ દેખાય તો થોડી વખત તો વિચાર આવે જ કે શું કરવું ?

"મમ્મી આપણે મદદ કરવી જોઈએ"

પરંતુ તે બાળકને અન્ય કોઈ વિચાર આવતો નથી માત્ર એક જ વિચાર અને એક જ ઇરાદો કે "તેને જરૂર છે મમ્મી આપણે મદદ કરવી જોઈએ". આ બાળકની માતાને વિચાર આવે છે કે "આપણી પાછળ પણ એ કાર ઊભી છે હું કારને થોડી આગળ લઈ લઉં તો પાછળ વાળી વ્યક્તિ તેની મદદ કરશે" એમ કરીને તે કારને થોડી આગળ લે છે. પરંતુ પાછળ વાળી વ્યક્તિ પણ પ્રિયાંશુની મદદ કરતી નથી.

આટલામાં બાળક બૂમાબૂમ કરે છે અને તેની માતાને કહે છે કે "પહેલા ભાઈને આપણી જરૂર છે, તેમને લાગ્યું છે, લોહી નીકળે છે, આપણે તેમની મદદ કરવી જોઈએ" એમ કરીને તેની માતાને પ્રિયાંશુની તથા તેના મિત્રની મદદ કરવા માટે ફરજ પાડે છે.

મદદ મળી, પણ મોડું થઈ ગયું

હવે તે મહિલા પોતાની કાર ઉભી રાખે છે અને પ્રિયાંશુને કારમાં બેસાડીને નજીકમાં આવેલી સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ જાય છે. તાત્કાલિક ઇમર્જન્સીમાં પ્રિયાંશુની સારવાર શરૂ કરવામાં આવે છે, કમનસીબે પ્રિયાંશુ બચી શકતો નથી.

કોણ છે આ મહિલા અને બાળક ?અહીં જે મહિલા તથા બાળકની વાત કરવામાં આવી છે તેમની ઓળખ ખાનગી રહે તે માટે તેમના નામનો ઉપયોગ કરેલ નથી, પરંતુ તે મહિલા ETV BHARAT સાથે વાત કરતા જણાવે છે કે "આ ઘટના બન્યા પછી પણ બે દિવસ સુધી મારા બાળકની આંખો સામેથી તે દ્રશ્યો જતા ન હતા, તે ગભરાયેલો રહેતો હતો.

એક સવાલ ખુદ માટે...આ મહિલા અને બાળકની પહેલા પણ કેટલાક લોકો આવ્યા હશે, ઉભા હશે અને જતા રહ્યા હશે. પરંતુ, કોઈએ પણ પ્રિયાંશુની મદદ કરવાનો પ્રયાસ ન કર્યો. તેમને વિચાર સતાવતો હશે કે અને છરી વાગી છે, પોલીસ કાર્યવાહીમાં પડવું પડશે, બે ઘડી કોઈએ અન્ય કોઈ વિચાર કર્યા વગર આ બાળકની જેમ નિસ્વાર્થ ભાવે તથા માનવતા બતાવીને પ્રિયાંશુની મદદ કરી હોત તો કદાચ આજે પ્રિયાંશુ આપણી વચ્ચે હોત.

  1. બોપલ હત્યા કેસ આરોપીના રિમાન્ડ, પૂછપરછમાં નવા ખુલાસા થશે
  2. અમદાવાદના બોપલમાં સ્ટુડન્ટ મર્ડર કેસમાં પોલીસકર્મીની સંડોવણી
Last Updated : Nov 18, 2024, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details