અમદાવાદ:ગત 14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના બોપલ વિસ્તારમાં રાત્રિના સમયે એક મર્સિડિસ કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને કચડી નાખતા ગાર્ડનું મોત થઈ ગયું હતું. ત્યાર પછી આ ઘટના અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસમાં ચાલક સગીર હોવાનું સામે આવ્યું હતું.
આ અકસ્માત કરનાર કાર ચાલકના પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કરી હતી અને અમદાવાદ ગ્રામીણ કોર્ટની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ત્રણ દિવસના રિમાન્ડ માટે રજૂ પણ કર્યા હતા. પરંતુ તે સમયે ઇન્ચાર્જ મેજિસ્ટ્રેટે આ ધરપકડને જ અયોગ્ય ગણાવીને 10,000 ના બોન્ડ પર મિલાપ શાહને જામીન મુક્ત કરવાનો હુકમ આપ્યો હતો. અને હવે આ હુકમને મૃતકના ફરિયાદી ભાઈએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
હાઈકોર્ટે નીચલી કોર્ટના હુકમ પર સ્ટે આપ્યો
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખીને મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ ઉપર સ્ટે આપ્યો છે, એટલે હવે પોલીસ મિલાપ શાહની ધરપકડ કરી શકશે. હાઇકોર્ટે આ મુદ્દે પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ અંગે વધુ સુનાવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે.