અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક નવી પોલિસી બનાવવામાં આવી છે. આ પોલિસી વિશે ETV BHARAT દ્વારા વિગતે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઘણી અગત્યની બાબતો સામે આવી છે.
ETV BHARAT દ્વારા પ્રથમ ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી હજુ લાગુ કરવામાં આવી નથી અને વધુમાં તેમણે જણાવ્યું કે, આ પહેલા સ્ટ્રીટ વેન્ડર માટે અલગથી કોઈ પોલિસી જ નહોતી. સાથે સ્ટ્રીટ વેન્ડરને ક્યાં ઉભા રહેવું અને ક્યાં ન ઊભા રહેવું તે બાબતે અત્યાર સુધી કોઈ ચોક્કસ નિયમો જ નહોતા.
અત્યાર સુધી શહેરમાં સ્ટ્રીટ વેન્ડર માટે કોઈ ચોક્કસ નિયમો કે પોલિસી નથી
ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી હિતેન્દ્ર મકવાણાનો જ્યારે સંપર્ક કર્યો. ત્યારે તેમના દ્વારા પણ તે કહેવામાં આવ્યું કે, અત્યાર સુધી સ્ટ્રીટ વેન્ડર્સ માટે કોઈપણ પ્રકારની પોલિસી હતી જ નહોતી. તેમને ક્યાં ઊભા રહેવું અને ક્યાં નહીં તે બાબતના કોઈ ચોક્કસ નિયમો પણ ન હતા.
નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી વિશે જ્યારે તેમને ETV BHARAT દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પ્રસ્તુત કરાયેલ પ્રેઝન્ટેશનની કોપિ આપીને પોલિસી વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર અહેવાલ તે પ્રેઝન્ટેશનની કોપિના આધારે તૈયાર કરાયેલ છે.
3 પ્રકારના વેન્ડિંગ ઝોન જાહેર કરાશે
નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી પ્રમાણે શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર અલગ અલગ ત્રણ પ્રકારના વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવશે.
1. નો વેન્ડિંગ ઝોન
- નો વેન્ડિંગ ઝોનમાં હાઇકોર્ટ, જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયતની કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતો, અન્ય કોર્ટમેન્ટ બોર્ડ, ફાયર બ્રિગેડ સ્ટેશનો, જનરલ હોસ્પિટલો, સરકારી ઇમારતો જેવી મહત્વના સ્થાનના પ્રવેશ અને નીકળવાના સ્થળોની આસપાસનો 200 મીટરનો એરીયા.
- રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ્સ, શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની આસપાસનો 50 મીટરનો એરીયા.
- શહેરની હદમાં આવતા રેલવે ક્રોસિંગની બંને બાજુ 50 મીટરનો એરીયા.
- પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 2010 અને રાજ્ય પુરાતત્વીય સ્મારક સંરક્ષણ અધિનિયમની સંબંધિત જોગવાઈઓમાં આજ્ઞા મુજબનો વિસ્તાર
- ચારે બાજુના બે અથવા વધુ રસ્તાઓના રોડ ક્રોસિંગ/જંકશન
- રિસર્ચ સેન્ટર અને એરપોર્ટ વિસ્તાર કે જેને રાજ્ય સુરક્ષા દ્રષ્ટિકોણથી વેન્ડિંગ સ્પેસ તરીકે ઉપયોગમાં લેવા પર પ્રતિબંધ
- અન્ય કોઈપણ વિસ્તાર કે જેમાં સ્થાનિક સંસ્થા (કોર્પોરેશન) ટાઉન વેન્ડિંગ કમિટી સાથે બરાબર કરીને નો વેન્ડિંગ ઝોનની શ્રેણીમાં સમાવવા યોગ્ય ગણી શકે છે.
2. પ્રતિબંધિત વેન્ડિંગ ઝોન
- પ્રતિબંધિત વેન્ડિંગ ઝોન મુખ્યત્વે રસ્તાની પહોળાઈ સાથે જોડાયેલ છે જેને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય
- 3.5 મીટર પહોળા રસ્તાઓ : સ્થિર વેન્ડિંગની દરખાસ્ત નથી આમ છતાં કોઈપણ સમયે તેને વાહન વિનાના માર્ગ તરીકે જાહેર કરવામાં આવે તો સ્ટ્રીટ વેન્ડિંગને મંજૂરી આપી શકાય
- 6 થી 9 મીટર પહોળા રસ્તાઓ : સ્ટ્રીટ વેન્ડિંગ સૂચવવામાં આવ્યું નથી આમ છતાં જો આવા રસ્તા વન-વે જાહેર થાય તો સ્ટ્રીટ વેન્ડિંગની મંજૂરી આપી શકાય છે
- 12 થી 24 મીટરની પહોળાઈના રસ્તાઓ : એક બાજુની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રસ્તાવિત કરી શકાય છે
- 30 મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તાઓ : બંને બાજુ વેન્ડિંગની મંજૂરી આપી શકાય છે
A. આવા રસ્તાઓ પર વેન્ડિંગની હોલ્ડીંગ ક્ષમતાને ધ્યાનમાં લઈને વિક્રતાઓની સંખ્યા નક્કી કરવામાં આવી શકે.
B. વાહન વ્યવહાર અને રાહદારીઓની સરળ અવરજવર ધ્યાને લઈ સ્થિર વેન્ડિંગની મંજૂરી આપી શકાય છે.
C. ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરને જોતા આવા રસ્તા ઉપર મોબાઈલ વેડિંગની મંજૂરી આપી શકાય છે.
3. પ્રતિબંધ મુક્ત વેન્ડિંગ ઝોન
- ઝોન/વોર્ડ/ઓથોરિટી/સંસ્થાની માલિકીના ગુલાબ લોટને પ્રતિબંધ વેન્ડિંગ ઝોન તરીકે નિયુક્ત કરી શકાય. આ વિસ્તારમાં વાહનોની અવરજવરને મંજૂરી નહીં દેવામાં આવે.