અમદાવાદ: અવારનવાર શહેરના ગાર્ડનોમાં ગંદકીના પ્રશ્નો, પાણીના પ્રશ્નો સહિત અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આ નાની મોટી સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તથા લોકોની સમસ્યા કોર્પોરેશન સુધી પહોંચે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ગાર્ડનોની એક ગાર્ડન મેનેજમેન્ટ કમિટી બનાવવામાં આવી છે.
ગાર્ડન મેનેજમેન્ટ કમિટી (GMC) ની રચના કરાઈ:આ અંગે રીક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન કમિટી દ્વારા એક નવતર પ્રયાસ સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સૂચનાથી દરેક ગાર્ડનની ગાર્ડન મેનેજમેન્ટ કમિટી GMC બને તે પ્રકારનો એક સુજાવ આવ્યો હતો. તે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતા 293 ગાર્ડનની અંદર એક ગાર્ડન મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે.
સ્થાનિક લોકો તથા કોર્પોરેટરની બનશે કમિટી, દર મહિને થશે મીટીંગ: આ કમિટીની અંદર એક સ્થાનિક કોર્પોરેટર, ગાર્ડન સુપરવાઇઝર ધારો કે, અમૂલ અને AMC બંને ગાર્ડનનું સંચાલન કરે છે તો એક એક વ્યક્તિ, આ ઉપરાંત એક-બે મહિલા, સિનિયર સિટીઝન અથવા તો રોજે રોજ ચાલવા આવતા લોકોમાંથી બે-ત્રણ લોકો પસંદ કરી ગાર્ડન મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવશે. ઉપરાંત આ કમિટીની મીટીંગ દર મહિને જે તે ગાર્ડનમાં થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે.