જૂનાગઢ:ખરીફ ઋતુ પૂર્ણ થઈ ગઈ છે, હવે જગતનો તાત શિયાળુ પાકોના વાવેતરને લઈને આગળ વધી રહ્યો છે. આવા સમયે દિવસના તાપમાનમાં સતત વધારાને કારણે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા ગરમીને ધ્યાને રાખીને શિયાળા દરમિયાન ઘઉં, ચણા, ધાણા, જીરું જેવા શિયાળુ પાકોના વાવેતરને લઈને ખેડૂતોએ સમયસર અને કૃષિ નિષ્ણાંતોની મદદથી વાવેતર કરે તો શિયાળુ પાકોના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.
શિયાળુ પાકો વાવતા પૂર્વે ખેડૂતો માટે માર્ગદર્શન: ખરીફ સિઝનની કૃષિ પેદાશો હવે પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ વર્તમાન સમયમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં અચોક્કસ અંતર જોવા મળે છે. જેને કારણે રવિ પાકોના વાવેતરને લઈને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂતો માટે એક માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન સતત વધી રહેલ તાપમાન તેમજ રાત્રિ અને દિવસના તાપમાનમાં અસમાન અંતરને કારણે શિયાળુ પાકો જેવા કે, ઘઉં, ચણા, ધાણા, જીરું અને અન્ય પાકોમાં ગરમીને કારણે ઉગાવા પર વિપરીત અસર પડી શકે છે. ત્યારે ખેડૂતોએ ગરમીના પ્રમાણને ધ્યાનમાં રાખીને તેમજ કૃષિ નિષ્ણાંતોની મદદ લીધા બાદ શિયાળુ પાકોનું વાવેતર કરવું જોઈએ. તેવી સલાહ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક-વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતો માટે આપવામાં આવી છે.
શિયાળુ પાકના વાવેતરમાં રાખજો કાળજી: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિક ડો આર.બી માદરીયાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15 નવેમ્બર બાદ શિયાળુ પાકોના વાવેતરને અનુકૂળ સમયગાળો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ જળવાતું હોય છે. પરંતુ જો વાવેતર બાદ ઠંડીની સરખામણીએ ગરમ વાતાવરણ હોય. ત્યારે શિયાળુ પાકો જેવા કે, ઘઉં, જીરુ, ધાણા, ચણા, તેમાં ઘઉં ઉગાવાને લઈને સૌથી વધુ પ્રભાવિત થાય છે. જેને કારણે ખેડૂતોએ ગરમીના પ્રમાણને ધ્યાને રાખીને શિયાળુ પાકોના વાવેતર તરફ આગળ વધવું જોઈએ. 10મી નવેમ્બરથી લઈને 20મી નવેમ્બર સુધીના સમયગાળાને શિયાળુ પાકોના ઉગાવા અને તેની વાતાવરણની અનુકૂળતાને ધ્યાને રાખીને વાવેતર માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. 20 નવેમ્બર બાદ શિયાળુ પાકોના વાવેતરને મોડું માનવામાં આવે છે. પરંતુ ગરમીનું પ્રમાણ સતત આ રીતે જોવા મળે તો ખેડૂતો વાતાવરણ ઠંડુ થાય ત્યાં સુધી વાવેતર માટે ધીરજ રાખે તે ઇચ્છનીય છે.