ભાવનગર: શહેર અને જિલ્લામાં વરસાદ થતાં ખેતીના પાકોને ભારે નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. ભાવનગરમાં આજે વહેલી સવારે તળાજા, ઘોઘા, જેવા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોના કપાસ અને મગફળીના પાક ઉપર માઠી અસર થવા પામી છે. ખેડૂતોએ નુકસાનની ભીતી દર્શાવી છે. જો કે જિલ્લામાં કેટલું વાવેતર અને હાલની સ્થિતિ શું જાણીએ.
મેઘમહેરથી ખેડૂત ચિંતિત: ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, સિહોર અને મહુવા જેવા દરિયાઈ પટ્ટી ઉપર આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જેને પગલે ખેડૂતોને કપાસ અને મગફળીના પાક લેવાના સમયે આવેલા વરસાદથી નુકસાનની ભીતી સેવાઈ રહી છે. મગફળી, કપાસ સહિતના પાકો પાકીને તૈયાર થવાની અણી ઉપર હોય, ત્યારે આવેલા વરસાદે પાકો ભીંજવી દેતા બગડી જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી છે. મગફળી, કપાસ ભીંજાય જવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.
પાછોતરા વરસાદથી ખેડૂતો ચિંતિત:ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે તળાજા, ઘોઘા, સિહોર અને મહુવા જેવા પંથકમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ભંડાર ગામના ખેડૂત હરેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે મારી પાસે 25 વીઘા જમીન છે, જેમાં 10 વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે અને 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. મગફળી 9 નંબરની વાવેતર કરી હતી અને જે પાકીને તૈયાર થઈ ગઈ હોય ત્યારે આવેલા પાછોતરા વરસાદને કારણે હવે નુકસાન થવાની ભીતી છે, સાથે કપાસ પણ બગડવાની સ્થિતિએ આવી ગયો છે. જ્યારે કંટાળા ગામના ખેડૂત હિંમતભાઈ જાંબુચાએ જણાવ્યું હતું કે, પછોતરા આવેલા વરસાદને કારણે ત્રણ વીઘામાં કરેલી મગફળી સંપૂર્ણ પલળી ગઈ છે અને પૂરેપૂરું નુકસાન થવા પામ્યું છે.