પ્રચંડ ગરમીના મોજામાં શેકાયું જૂનાગઢ (ETV Bharat Desk) જૂનાગઢ :બે દિવસની રાહત બાદ આજે સમગ્ર રાજ્યમાં ગરમીનું એક પ્રચંડ મોજુ ફરી વળ્યું છે. સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાતું જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં આગામી ચાર-પાંચ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર પણ ગરમીના આ પ્રચંડ મોજામાં જાણે કેે શેકાતું હોય તે પ્રકારનો માહોલ મધ્ય બપોરે જૂનાગઢના રાજમાર્ગો પર જોવા મળતો હતો.
પ્રચંડ ગરમીમાં જૂનાગઢ શેકાયું :સવારે અને સાંજના સમયે અને ખાસ કરીને ઉનાળાને બાદ કરતાં અન્ય ઋતુમાં આ જૂનાગઢ શહેરના માર્ગો પર લોકોની સાથે વાહનોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જોકે હવે પ્રચંડ ગરમીને કારણે એકલદોકલ વાહનોને બાદ કરતા મોટાભાગના માર્ગો સૂમસાન જોવા મળ્યા હતા.
બપોરે તાપમાન 44 ડિગ્રીને પાર :મધ્ય બપોરે અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન જૂનાગઢ શહેરના જાહેર માર્ગોનું તાપમાન 44 ડિગ્રીને પાર થતું જોવા મળ્યું હતું. આ પ્રકારે જૂનાગઢમાં પહેલી વખત ગરમીનું પ્રચંડ મોજું સમગ્ર ઉનાળા દરમિયાન ફરી વળ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ફરી એક વખત બળબળતી 'લૂ'ની સાથે તાપમાન 44 ડિગ્રીને પાર થતું પણ જોવા મળ્યું હતું.
તાપમાનમાં મોટો ફેરફાર:બે દિવસ સુધી કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી રાહત મળી હતી. પરંતુ જ્યારે વાદળ દૂર થયા ત્યારે બપોરના સમયે જૂનાગઢ શહેરના ઘરની અંદર તાપમાન 38 ડિગ્રી સુધી જોવા મળતું હતું, પરંતુ તે જ તાપમાન જાહેર માર્ગો પર 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જૂનાગઢ શહેરના ઘરની અંદર અને જાહેર માર્ગો પર તાપમાનમાં પાંચથી છ ડિગ્રીનો મોટો ફેરફાર પણ નોંધાયો હતો.
- વંટોળ અને વરસાદથી ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો.જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કેરી લઈને ઉમટયા
- જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીનું રિયાલિટી ચેક, અધૂરી કામગીરી પડી શકે છે મોંઘી...