ગાંધીનગર:નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ત્રીજીવાર શપથ લીધા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસમાં અનેક ભરચક કાર્યક્રમો છે. મળતી માહિતી અનુસાર મોદીના કાર્યક્રમોની વાત કરવામાં આવે, તો તેઓ 15 સપ્ટેમ્બરના રોજ બપોર પછી અમદાવાદ એરપોર્ટ પધાર્યા હતાં.
ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જા સમિટનો શુભારંભ:16 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના ગાંધીનગર અને અમદાવાદમાં ઘણા કાર્યક્રમો છે. 16 સપ્ટેમ્બરના રોજ સવારે મહાત્મા મંદિર ખાસે આયોજિત ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમીટનો શુભારંભ કરાવશે. આ મીટ અગાઉ 2 વખત દિલ્હીમાં થઈ ચૂકી છે. દેશ માટે ખૂબ મહત્વની આ મીટ હવે ગુજરાતના આંગણે યોજાશે, જેમાં જર્મની, ડેન્માર્ક તથા વિવિધ રાષ્ટ્રના ડેલીગેશન જોડાશે. અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી પણ હાજર રહેશે. સોલર, વિન્ડ અને વિન્ડ પરંપરાગત સૌર ઉત્પાદન માટેની મુહિમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જેમાં આજે ભારત સફળતા મેળવી રહ્યું છે.
ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે:વડાપ્રધાન મોદી બપોરે 12 વાગે ફરીથી રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1.30 ક્લાકે ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટ્રેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મોદી ગીફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કરશે. મેટ્રો ફેઝ-3 મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-3નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. APMC (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે અને ભાડું માત્ર ₹ 35 છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થતા લોકોનો સમય અને બળતણ બચશે. જે પર્યાવરણ શુદ્ધ કરવામાં પણ મદદ મળશે.
GMRC દ્વારા મેટ્રો રેલના ત્રીજા તબક્કાનો પ્રારંભ:ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના ત્રીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે.