વલસાડ:નાનાપોંઢા નાસિક હાઈવે પર ગતરોજ નાસિકથી નીકળી દમણ તરફ આવી રહેલું ભારેખમ મશીન ભરેલું કન્ટેનર વડ નજીક ઘાટ પર રિવર્સ ચઢવા જતા રોડની વચ્ચોવચ આડુ નમી ગયું હતું. જેને પગલે સતત 20 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. બાદમાં ત્રણથી ચાર જેટલી ક્રેનો લાવી સતત ત્રણ કલાકની મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવતા હાઈવે રાબેતા મુજબ રસ્તો શરૂ થયો છે.
વલસાડ-નાસિક હાઇવે પર 20 કલાક ટ્રાફિક જામ (Etv Bharat Gujarat) કન્ટેનર પલ્ટી ખાઈ ગયું: બુલેટ ટ્રેનમાં ઉપયોગમાં આવતું મશીન ભરીને આવતું કન્ટેનર માંડવા ગામ નજીક વડદેવી ઘાટ પાસે ચડી નહી શકતા રિવર્સ આવી રોડ ઉપર આડું થઈ જતા રોડ બ્લોક થઈ ગયો હતો. જોકે તેને બહાર કાઢવા માટે સતત 20 કલાક સુધી કોઈએ જહેમત ઉઠાવી ન હતી જેના કારણે રોડની બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.
નાસિક વાપી જીવાદોર સમાન હાઇવે બ્લોક: કન્ટેનર માર્ગમાં આડુ આવતા વાહન ચાલકોને ખુબ જ હાલાકી થઇ હતી. એવામાં રોજિંદા હજારો ભારે વાહનોથી ધમધમતા રોડ પર કન્ટેનર આડું થઈ જતા રોડની બંને તરફ ત્રણથી ચાર કિલોમીટર વાહનોની લાંબી કતારો સર્જાઇ હતી. સતત 20 કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના કારણે અનેક ટ્રક ચાલકો અને વાહન ચાલકો અટવાયા હતા.
20 કલાક બાદ વહીવટી તંત્ર જાગ્યું:સતત 20 કલાક સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ વહીવટી તંત્ર જાગ્યું હતું અને કન્ટેનરને બહાર કાઢવા માટે અને ટ્રાફિક હળવો કરવા ભારે ક્રેન લઈ આવી સતત ત્રણ કલાકની જેહમત બાદ કન્ટેનરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. કન્ટેનર બહાર કાઢ્યા બાદ ત્રણ કિલોમીટર લાગેલો ટ્રાફિકજામ ધીરે ધીરે હળવો થયો હતો.
વળદેવી ઘાટ પાસે આવી ઘટનાઓ અગાઉ પણ બની: માંડવા ગામે આવેલા વડદેવી ઘાટ પાસે આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે,પરંતુ ભૂતકાળની બનેલી ઘટનાઓ ઉપરથી પણ વહીવટી તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની શીખ લેવામાં આવી નથી. અને જેને પગલે આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે અહીંથી પસાર થવું પડે છે અને ટ્રાફિકજામ સર્જાય ત્યારે કલાકો સુધી રાહ જોવાની ફરજ પડે છે.
ત્રણ કિલોમીટરનો ટ્રાફિક જામ: નાસિક રોડ નજીક સતત 20 કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના કારણે નાસક તરફ છેક કપરાડા સુધી અને ધરમપુર તરફના રોડ ઉપર ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક ટ્રક ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા અને કલાકો સુધી ભૂખ્યા તરસ્યા બેસી ટ્રાફિક ખુલ્લો થવાની રાહ જોતાં નજરે પડ્યા હતા. હજારો વાહનોથી ધમધમ તો હાઈવે અચાનક બંધ થઈ જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી જોકે બાદમાં તે ખુલ્લો કરી દેવામાં આવતા રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો હતો.
- ગટર સાફ કરાવતા મળ્યું કઈંક એવું જે સૌ માટે આશ્ચર્યજનક, જાણો એવું તો શું મળ્યું... - Drainage problem in bhavnagar
- ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા બજારો પાણી પાણી થયા - Rain in Umarpada