સુરત: સુરત જિલ્લામાં હાલ દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી લોકોની ઊંઘ સાથે પોલીસની ઉંઘ પણ હરામ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે ગત 31 તારીખે એક તસ્કરે ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. તસ્કરે બાથરૂમની બારીનો કાચ તોડી બંધ ઘરમાં પ્રવેશ્યો હતો.અને ઘરની તીજોરીમાં રહેલ મોંઘાદાટ સોના,ચાંદીના દાગીના ઉઠાવી લીધા હતા, અને સરળતાથી ફરાર થઈ ગયો હતો.
ચોર સાથે ચોરીના દાગીના ખરીદનારો વેપારી પણ ઝડપાયો ઘરમાંથી હાથફેરો થયો હોવાની ઘટનાથી અજાણ પરિવાર જ્યારે એક પ્રસંગ પૂર્ણ કરી ઘરે આવીને જોયું તો ઘરમાં બધું વેર વિખેર હાલતમાં હતું. ઘરની તીજોરીમાં રહેલ મોંઘા દાટ દાગીના ગાયબ હતા. જેને લઇને સમગ્ર ઘટનાની જાણ કિમ પોલીસને કરાતા કિમ પોલીસ દોડી આવી હતી.
કિમ પોલીસની સાથે-સાથે ચોરીના આ કેસમાં સુરત જિલ્લા એલસીબી પણ કામે લાગી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોર ઇસમ શાહરૂખ શોકત પઠાણને ભરૂચ જિલ્લાના રહાડ પોર વિસ્તારના તેના ઘરેથી દબોચી લીધો હતો. ઝડપાયેલ ઇસમની પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
ચોરી કરેલા આ દાગીના સુરત શહેરના સોની તારિક અઝીઝ ઝવેરીને વેચી દીધા હોવાનું ખુલતા પોલીસે કોઈપણ પ્રકારના બિલ વગર ચોરીના દાગીના ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી હતી. જિલ્લા એલસીબી પીઆઇ આર.બી.ભટોળે આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે બંને પાસેથી 36 તોલા સોનું,ચાંદી,મોપેડ,મોબાઈલ મળી કુલ 18.85 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Video Viral: સુરતના કાપડ માર્કેટમાં કામદારને માર મારનાર બિલ્ડર સહિત 4 સામે FIR, જાણો શું હતો મામલો ?
- Surat Crime News: થાર કારમાં સ્ટંટ કરતા લબરમુછીયાઓએ બાઈક સવાર દંપતિને ટક્કર મારી