પોરબંદર: આવતીકાલે બે ઓક્ટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પોરબંદરની મુલાકાતે આવવાના છે અને કિર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી આવવાના હોવાથી તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં ગાંધીજીના વિચારોને લઈને શું કરવું તે અંગે પ્રવાસીઓએ વિશેષ વાત કરી હતી.
ગાંધીજીના જીવનકથા પર અનેક મ્યુઝિયમ: પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરમાં ગાંધીજીનું જૂનું ઘર આવેલું છે. જેમાં માત્ર બીજી ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મ જયંતી નિમિતે સજાવટ કરવામાં આવે છે. પોરબંદરમાં અહીં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ભારત ભરમાં ગાંધીજીના જીવન કથા પર અનેક મ્યુઝિયમ્સ આવેલા છે. તો પોરબંદરમાં ગાંધીજીનું ભવ્ય મ્યુઝિયમ કેમ ન બનાવી શકાય! અહીં અનેક દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. જોકે એક વિચાર એ પણ છે કે ગાંધીજી પોતાની સાદગી માટે પણ એટલા જાણીતા હતા જેને લઈને ભવ્યતા તેમની સાદગીને છતી કરી શકશે નહીં તેવું પણ ઘણાનું માનવું છે. ગાંધીજીના વિચારોનો પ્રચાર પ્રસાર થાય તે માટે પોરબંદર ચોપાટી પર ગાંધી સ્મૃતિ ભવન પણ આવેલું છે. પરંતુ તે હાલ માત્ર નામનું રહી ગયું છે. ગાંધી સ્મૃતિ ભવનમાં કરોડોના ખર્ચે ડોક્યુમેન્ટરી સહિત લાઇટ એન્ડ સાઉન્ડ શોનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ તે બંધ હાલતમાં છે. મતલબ કે ગાંધીના નામે કરોડો ખર્ચી નાખવામાં માનતું તંત્ર પહેલા ગાંધીને જ સમજી જાય તો પણ ઘણું છે.
ગાંધીજીના સપનાનું ભારત સરકારો બનાવી નથી શકતી:ઉત્તર પ્રદેશથી આવેલા અશોક કુમારે etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'આજે પ્રથમ વાર ગાંધીજીના જન્મ સ્થળે આવવાનું થયું. મને ખૂબ જ સારું લાગ્યું. સ્કૂલો અને કોલેજના દિવસોમાં ગાંધીજી વિશે અભ્યાસમાં આવતું હતું પણ તેના જન્મ સ્થળની માટી જમીન જોઈને તેનાથી અલગ આભા નીકળી આવે છે. ગાંધીજીની સાદગીને પુન: તેને પ્રચાર પ્રસાર કરવાની ખૂબ જરૂર છે. તેના જન્મ સ્થળની મુલાકાત લેતા તેના વ્યક્તિત્વના હિસાબે ખૂબ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે તેવી અનુભૂતિ થઈ રહી છે. તેમના વ્યક્તિત્વના હિસાબ પ્રસાર ખૂબ વધારવો જોઈએ અને તેના જીવન પરના તૈલી ચિત્ર પ્રદર્શીનીમાં પણ પરિવર્તન લાવવું જોઈએ. ભારતમાં અનેક સરકાર બદલી પરંતુ ગાંધીજીના સપનાનું ભારત હજુ સુધી બનાવી શકી નથી.'