ભૂજમાં ઊંટડીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોંફેરેન્સ ભૂજ:કચ્છમાં સૌ પ્રથમવાર ઊંટડીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોંફેરેન્સ યોજાઈ હતી. આ નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સમાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલ બીકાનેર, રાજસ્થાન, કામધેનુ યુનિવર્સિટી, પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, સહજીવન, ઊંટ ઉછેરક માલધારી સંગઠન કચ્છ યુનિવર્સિટીના અગ્રણીઓ જોડાયા હતા તો સાથે જ કચ્છ કલેકટર અને કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા હતા.
ભૂજમાં નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024 વિવિધ નિષ્ણાંતો અને ડોકટરો દ્વારા માર્ગદર્શન: નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સમાં NRCC બિકાનેરના ડાયરેક્ટર ડો. અર્તાબંધુ સાહુ, GCMMF ના સમીર સક્સેના, કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. એન.એચ. કેલાવાલા, બિકાનેરના ડાયાબીટીક કેર એન્ડ રિસર્ચ સેન્ટરના ઇન્ચાર્જ ડો. આર.પી. અગ્રવાલ, સર્વમંગલ આરોગ્ય ધામના વૈદ્ય ડો. આલાપ અંતાણી તેમજ અન્ય સ્પેશિયલીસ્ટ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા અને કેમલ મિલ્કના ગુણધર્મો અને તેના ફાયદાઓ તેમજ તેની આયુર્વેદિક તેમજ દવાની રીતે મહત્વ અંગે વાતચીત કરી હતી.
ભૂજમાં નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024 કચ્છમાં કચ્છી અને ખારાઈ ઊંટ: સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવતાં ઊંટને આંતરરાષ્ટ્રીય ઊંટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને લાખો ગરીબ પરિવારો માટે ઊંટ એક મહત્ત્વપૂર્ણ આજીવિકા પણ બન્યું છે. સરહદી જિલ્લા કચ્છ વિસ્તારમાં 350 જેટલા ઊંટ ઉછેરક માલધારીઓ છે. કચ્છમાં મુખ્યત્વે કચ્છી અને ખારાઈ ઊંટ એમ બે નસલ રાખતા માલધારીઓ છે.
ભૂજમાં નેશનલ કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024 2017થી સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધના સંપાદનનું કામ: કચ્છમાં વર્ષ 2013થી કચ્છના ઊંટ ઉછેરકોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે તે માટે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલએ પ્રયત્નો હાથ ધર્યા હતા અને વર્ષ 2017થી સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું સંપાદનનું કામ કરી રહી છે અને સરહદ ડેરીને ઊંટડીના દૂધને ખાધ્ય તરીકે FSSAI માં ધોરણો નક્કી કરવામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.
કેમલ મિલ્કને ઓર્ગેનિક સર્ટિફિકેટ: ઊંટડીના દૂધને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને વ્હાઈટ ગોલ્ડ પણ કહેવામાં આવે છે.કચ્છના અંજાર તાલુકામાં ચાંદરાણી સ્થિત સરહદ ડેરીના પ્લાન્ટ ખાતે “રાજસ્થાન રાજ્ય બીજ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી” (RSSOCA) ના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા રૂબરૂ કેમલ મિલ્ક ઓર્ગેનિક તરીકેનું પ્રમાણિત સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું છે.
ટી.બી.ના દર્દીઓ માટે ઊંટ મદદરૂપ: બિકાનેરના નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલના ડાયરેક્ટર ડો. અર્તાબંધુ સાહુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધમાં રહેલ ઇન્સ્લ્યુલીન જેવા પ્રોટીનના કારણે ઊંટડીનું દૂધ આરોગતા ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલીન લેવાની જરૂર પડતી નથી. ઊંટડીના દૂધથી થતાં ફાયદામાં ખાસ કરીને ઓટીઝમ તથા ટી.બી.ના દર્દીઓ માટે પણ આ દૂધ દવારૂપે ખૂબ ઉપયોગી રહે છે. ઊંટડીના દૂધ પર અનેક પ્રકારના વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવ્યા છે.
નામાંકિત ડોક્ટરો પણ ઊંટડીના દૂધને પ્રિસ્ક્રિબ કરે છે: આ કેમલ મિલ્ક કોંફેરેન્સમાં ઊંટડીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા થયેલ રિસર્ચ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું જ્યારે બીજા સેશનમાં ભારતના નામાંકિત ડોક્ટરો ઊંટડીના દૂધને પ્રિસ્ક્રિબ કરતાં હોય છે તેવા ડોક્ટરો દ્વારા પોતાનું પ્રેશંટેશન સાથે વક્તવ્ય આપવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને ઊંટડીના દૂધનું આયુર્વેદિક રીતે શું મહત્વ છે, ઓટીઝમ તથા ટી.બી.ના દર્દીઓ માટે પણ કંઈ રીતે આ ઉપયોગી છે તેના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ ઊંટના દૂધની માર્કેટ ઊભી કરી શકાય: ઊંટડીના દૂધમાંથી બનતી વિવિધ પ્રોડકટનું કંઈ રીતે મેડિકલ મેડિસન તરીકે ઉપયોગ કરી શકાય, થેરાપી તરીકે કંઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તેમજ કેમલ મિલ્કની ગ્લોબલ માર્કેટમાં શું ક્ષમતા છે તેમજ આગામી સમયમાં અન્ય કયા ક્ષેત્રમાં ઊંટડીના દૂધની માંગ વધારી શકાય તે અંગે રિસર્ચ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.તો આગામી સમયમાં ઊંટડીનું દૂધ ટેબ્લેટ સ્વરૂપે બહાર પાડીને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ ઊંટના દૂધની માર્કેટ ઊભી કરી શકાય છે.
ઊંટ ઔષધીય ભંડાર તરીકે ઓળખાશે: રાજસ્થાનમાં સૌથી વધારે ઊંટ છે જે 2.13 લાખ જેટલા છે.જ્યારે ગુજરાતમાં 28000 જેટલા ઊંટો છે. ગુજરાતમાં મુખ્યત્વે 2 ઊંટો જોવા મળે છે જેમાં કચ્છી અને ખારાઈ ઊંટો નો સમાવેશ થાય છે.થોડાક સમય અગાઉ ખારાઇ ઊંટોની સંખ્યા ખૂબ ઘટી રહી હતી પરંતુ હાલ વધી રહી છે. ખાસ કરીને રાજસ્થાનમાં સૌથી વધારે બિકાનેરી અને જેસલમેરી ઊંટોની સંખ્યા વધારે છે જે એક - એક લાખ જેટલી છે.ઊંટો ને ચરિયાણ માટે જંગલ જરૂરી છે જ્યારે જંગલોમાં પ્રવેશ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે ઊંટો માટે દૂર કરવી જોઈએ જેથી કરીને ચરિયાણ નો ખર્ચો માલધારી પરથી ઘટે.જે અગાઉ મરુસ્થલના વાહન તરીકે ઓળખાતું હતું હવે તે ઔષધીય ભંડાર તરીકે ઓળખાશે.
કેમલ મિલ્ક ઇન્ડસ્ટ્રીને અલગ સ્તરે લઈ જવાનો પ્રયાસ: કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, કેમલ મિલ્કનાં જે લાભ છે જે ડાયાબિટીસ, ઓટીઝમ અને ટીબી માટે ઉપયોગી છે. તેમજ ડેરી ઉદ્યોગના જે નિષ્ણાંતો છે તેમની પાસેથી ઊંટડીના દૂધના ફાયદાઓ અંગે જાણવા મળ્યું છે.તો આ કોન્ફરન્સ મારફતે આ કેમલ મિલ્ક ઇન્ડસ્ટ્રીને અલગ સ્તરે લઈ જવામાં આવે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
"કચ્છમાં 12000 જેટલા ઊંટ છે અને 350 જેટલા ઊંટ ઊછેરક છે અને સરહદ ડેરી દ્વારા હાલમાં દરરોજનું 5000 લીટર ઊંટડીના દૂધનું વિવિધ વિસ્તારમાંથી કલેક્શન કરવામાં આવી રહયું છે અને તે દૂધને દુર્ગંધ રહિત કરી અને એસેપ્ટિક પ્લેન દૂધ, ફ્લેવર દૂધ, સુગર ફ્રી ચોકોલેટ, આઇસ્ક્રીમ તથા પાવડર વગેરે અમુલ બ્રાન્ડ તળે બજારમાં મૂકવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ વાર ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કચ્છની સરહદ ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. જે અમુલ બ્રાન્ડ તળે આ તમામ પ્રોડક્ટ તૈયાર થઈ અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.'' -વલમજી હુંબલ, ચેરમેન, સરહદી ડેરી
- અમદાવાદ ગ્રામ્ય DEOનો નવતર પ્રયોગ, વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓનું સારી રીતે રિવિઝન કરી શકે તે માટે શરૂ કરાયો પ્રોજેક્ટ
- Gujarat Government: ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: CM ભુપેન્દ્ર પટેલ