વડોદરાઃT20 વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવી રહેલા હાર્દિક પંડ્યા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેઓ પોતાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને ત્યારબાદ શહેરના માંડવી ગેટ પાસેથી ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો સાંજે 6:05 કલાકે માંડવીથી શરૂ થયો હતો, ત્યારે ક્રિકેટરના સ્વાગતમાં આખુ વડોદરા રસ્તા ઉપર સ્વાગત માટે ઉમટી પડ્યું હતું. માંડવી ગેટથી લઇને લહેરીપુરી દરવાજા સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આખા રસ્તે હાર્દિક- હાર્દિંક ગુંજી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સમગ્ર માર્ગ ઉપર નાના નાના બાળકો પણ હાર્દિકના કટ આઉટ લઈને તેના સ્વાગત માટે ઉભા હતા.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ શો: ટીમ ઈન્ડિયા વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ આવતા તમામનું ખુલ્લી બસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા છે. જેને લઇને તેઓનું ખુલ્લી બસમાં અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે માંડવીથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ખુલ્લી બસમાંથી હાર્દિક પંડ્યાં પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યો છે. આ કાર્યક્રમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવતા 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના બેનર્સ ક્રિકેટ ફેન્સના હાથમાં જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ હાર્દિક પંડ્યાના વખાણ કરી રહ્યા હોય તેવું લખાણ જોવા મળી રહ્યું છે. સાંજે 5: 40 કલાકે હાર્દિક પંડ્યા તેઓના નિવાસ સ્થાનેથી જાતે જ કાર ચલાવીને સ્થળ ઉપર પર પહોંચ્યા હતા.