સુરત:કીમ- કોસંબા વચ્ચે કીમ ખાડીના બ્રિજ ઉપર શનિવારના રોજ અપલાઈન ઉપર રેલ્વે ટ્રેકની સેફ્ટી પિન (ઈલાસ્ટિક રેલ ક્લિપ) અને ફીશ પ્લેટ કાઢી આખી ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. 71 ERS અને 2 જોગસ ફીશ પ્લેટ કાઢી પાટા ઉપર ગોઠવી દીધી હતી.
પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદારની સતર્કતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. બનાવ અંગે કીમ સ્ટેશનના માસ્ટરને જાણ કરાતા તેમણે તાત્કાલિક ગરીબ રથ ટ્રેનને કોસંબા રેલ્વે સ્ટેશને પર થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ (Etv Bharat Gujarat) ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ: તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પાદારે રેલ્વે ટ્રેક પર 3 અજાણ્યા વ્યક્તિની ચહલપહલ જોઈ હતી. વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક ઉપર અજાણ્યા વ્યક્તિઓને જોતાં તેઓને બૂમો પાડતા તે લોકો તાત્કાલિક નાસી છૂટયા હતા. કીમ નદીના રેલ્વે બ્રિજ પાસે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓ અને તંત્ર દોડતું થયું: રેલ્વે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. આ ઉપરાંત 71 જેટલી સ્લીપ એંકલ [પેડલોક] ખોલીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા સુરત ગ્રામ્ય તેમજ રેલ્વેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેન વ્યવહાર બંધ કરીને રેલ્વે ટ્રેક પર કામગીરી હાથ ધરી હતી. જે બાદ ફરીથી રેલવ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો.
સુરક્ષા એજન્સીઓના ઘટના સ્થળે ધામા: આ ઘટના બાદ સુરત ગ્રામ્ય, સુરત ગ્રામ્ય પોલીસની LCB, SOG, GRP અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ માટે ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી હતી. બીજી તરફ NIA ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે સુરત જિલ્લા SOG, LCB સહિત 140 જેટલા પોલીસ કર્મચારીઓએ ધામા નાખ્યાં છે. ઝાડી-ઝાંખરાઓમાં તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર છે.
આ પણ જાણો:
- દેશી તમંચો લઈને ફરતા યુવકને કીમ પોલીસે દબોચ્યો, કરાવ્યું કાયદાનું ભાન - Accused arrested with weapon
- પોલીસ જ બની પોલીસની ફરજમાં રુકાવટ, કોન્સ્ટેબલે આરોપી પુત્રને ભગાડ્યો - Obstruction of police duty