સુરત : નવા સત્રનો પ્રારંભ થયો છે. આ સાથે જ વાલીઓ હવે શૈક્ષણિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવવા આતુર થયા છે. સુરતની ખાનગી શાળાઓ છોડી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 6,205 અને સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની શાળાઓમાં 954 બાળકો એમ કુલ 7,159 વિદ્યાર્થીઓએ ધો. 1 થી 8 માં પ્રવેશ મેળવી સરકારી શાળાઓ પર પસંદગી ઉતારી છે.
સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી :આ વર્ષે સુરત શહેરની નગર પ્રાથમિક શાળાઓની બાલવાટિકાના 11,553 અને ધો. 1 ના 8,387 મળી કુલ 19,940 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. શહેરીકરણના કારણે સુરત મહાનગરપાલિકાની શાળામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ખાસ કરીને પી.એમ. શ્રી અને સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજના થકી સ્માર્ટ ક્લાસના માધ્યમથી ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા અપાઈ રહેલા ગુણાત્મક શિક્ષણ તેમજ શૈક્ષણિક સુવિધામાં થઈ રહેલા વધારાના કારણે વિદ્યાર્થીઓમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવવા પડાપડી થઈ રહી છે.
શાળા પ્રવેશોત્સવનો હકારાત્મક પ્રભાવ :રાજ્યવ્યાપી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 માં શરુ કરેલી શાળા પ્રવેશોત્સવની પહેલ રાજ્ય સરકારે જીવંત રાખી છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સાર્થક પરિણામો જોવા મળી રહ્યા છે. સાથોસાથ વાલીઓ સરકારી શાળામાં અપાતા ગુણવત્તાસભર શિક્ષણથી પ્રભાવિત થઈ સરકારી શાળાઓ પર પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. સરકારી શાળાઓમાં બાળકોને સ્કૂલ બેગ, યુનિફોર્મ, શૈક્ષણિક કીટ અને બુટ-મોજા વિનામૂલ્યે આપવામાં આવે છે.
ગુણવત્તાયુક્ત શિક્ષણ :જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. એમ. પટેલે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના શરૂ કરી શોધલક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. જેમાં અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડ, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. સરકારે પ્રાથમિક શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સના રૂપમાં તબક્કાવાર બિલ્ડીંગ અને વર્ગખંડોનું અપગ્રેડેશન, તમામ ગ્રેડ માટે સ્માર્ટ ક્લાસ રૂમ, સ્ટીમ લેબ, કમ્પ્યુટર લેબ, ભાષા લેબ, રમત ગમતના સાધનો, ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો માટે રિસોર્સ રૂમ અને પર્યાવરણ લેબ વિકસાવવાનું કાર્ય હાથ ધરાયું છે. જેના કારણે સરકારી શાળા પ્રત્યે બાળકોનો લગાવ વધી રહ્યો છે.