રાજકોટ: ડિજિટલ યુગમાં હવે સટ્ટોડિયાઓ પણ ઓનલાઈન સટ્ટો રમતા થયાં છે. ત્યારે રાજકોટમાં આવી રીતે ઓનલાઈન સટ્ટો રમાડતા 3 સટ્ટોડિયાઓનો પોલીસે ઝડપી પાડ્યાં છે. પોલીસને આશંકા છે કે આ એક મોટું નેટવર્ક છે અને આ મામલે અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.
Rajkot News: સટ્ટોડિયા સલવાયા, ઓનલાઈન સટ્ટો રમાડતા 3 શખ્સોની પોલીસે કરી ધરપકડ - રાજકોટ ન્યૂઝ
રાજકોટ ક્રાઈમ બ્રાંચે શહેરમાં ધમધમતા સટ્ટા બજારના કાળા કારોબાર અને તેની સાથે સંકળાયેલા સટ્ટોડીયા સામે લાલ આંખ કરી છે. ત્યારે પોલીસે ઓનલાઈન સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને ઝડપી પાડયા છે. આ કાંડમાં વધુ મોટા બુકીઓના નામ સામે આવે તેવી પૂરી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Published : Jan 25, 2024, 6:36 AM IST
ઓનલાઈન સટ્ટો:સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારીના જણાવ્યાં અનુસાર, રાજકોટમાં કેટલાક ઈસમો ક્રિકેટની મુખ્ય એપ્લિકશન્સ મારફતે મોટા પ્રમાણમાં સટ્ટો રમાડી રહ્યા હોવાનું સામે આવ્યું. જેના આધારે પોલીસે સૌ પ્રથમ શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલ સુકેતુ ભૂતા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી એક મોબાઈલ એપ્લીકેશનનું આઇડી મળી આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા વધુ બે શખ્સો પણ આ પ્રકારના આઇડી વડે સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે હનુમાન મઢી અને નવાગામ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે નિશાંત ચગ અને ભાવેશ ખખ્ખર નામના શખ્સોને ઝડપી પાડ્યાં હતા. પોલીસને આ શખ્સો પાસેથી ગો એક્ષચેન્જ, ચેરી બેટ, મેજિક ક્લિક નામની ત્રણ માસ્ટર આઇડી મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.11 લાખથી વધુની રોકડ પણ ઝપ્ત કરી છે.
મોટા માથાઓના નામ ખુલવાની શક્યતા: એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, આ શખ્સો ત્રણ અલગ અલગ એપ્લિકેશન મારફતે મોટા પ્રમાણમાં સટ્ટો રમાડતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે આ મામલે પોલીસે ત્રણેય વિરુદ્ધ અલગ અલગ ગુન્હાઓ દાખલ કર્યા છે. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણેય શખ્સો મુખ્યત્વે એક જ નેટવર્કથી સટ્ટો રમાડતા હતા. આ ત્રણ શખ્સો સિવાય નેટવર્ક ચલાવતા હોય તેવા નીરવ પોપટ, અમિત પોપટ અને તેજસ રાજદેવના નામ ખુલ્યા છે. હાલ આ ત્રણેય શખ્સોને પકડવા માટેની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ રાજકોટ પોલીસે સટ્ટાનું નેટવર્ક ચલાવતા ત્રણ શખ્સોને રાજકોટમાંથી ઝડપી પાડયા છે. તેમજ આ મામલે વધુ તપાસ શરૂ છે. ત્યારે આગામી દિવસોમાં વધુ મોટા નામ ખૂલે તેવી પણ શક્યતાઓ છે.