ગુજરાત

gujarat

ETV Bharat / state

શું તમે કચ્છમાં હોળી ઉજવવાની 200 વર્ષ જૂની પરંપરાગત જાણો છો ? તો જુઓ ETV Bharat નો વિશેષ અહેવાલ... - Holi 2024 - HOLI 2024

સનાતન ધર્મમાં દરેક તહેવારની એક અનોખી રીતે ઉજવણી થતી હતી. જેનું ધાર્મિક મહત્વ પણ હતું. જોકે સમયાંતરે ધીરે ધીરે આ પરંપરામાં બદલાવ આવ્યા અને કેટલાક ફેરફાર સાથે આજે ઉજવણી થાય છે. શું તમે જાણો છો ? કચ્છમાં હોળીની પણ પરંપરાગત ઉજવણી કંઈક અલગ હતી...

કચ્છમાં હોળીની પરંપરાગત ઉજવણી
કચ્છમાં હોળીની પરંપરાગત ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Mar 23, 2024, 5:41 PM IST

કચ્છમાં હોળી ઉજવવાની 200 વર્ષ જૂની પરંપરાગત

કચ્છ :હોળીને અનુલક્ષીને કચ્છીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. ખાસ કરીને કચ્છમાં અગાઉના સમયે હોળીની પરંપરાગત ઉજવણી થતી હતી. કચ્છના જાણીતા લેખક અને ઇતિહાસકાર સંજય ઠાકરની ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જાણો, કચ્છમાં સમરસતા સાથે કેવી હોળીની ઉજવણી થતી હતી.

સમરસતાનું પ્રતીક, હોળી :હોળીનો તહેવાર કચ્છની સમરસતાનો પ્રતીક છે. છાણા એકત્ર કરવા, હોળૈયા બનાવવા, પહેલી હોળીમાં નવદંપતિ ચાર ફેરા ફરે, બાળકને ફેરા ફરવા આ તમામ વિધિવિધાન કચ્છમાં જૂના વખતથી ચાલ્યા આવે છે. જેમાં છેલ્લા 2 વર્ષથી ઘસારો પણ લાગ્યો છે.

કચ્છમાં હોળીની પરંપરાગત ઉજવણી :અગાઉના સમયમાં હોળીના આગમન સાથે જ શેરીઓમાં નાના છોકરાઓની ટોળકી નીકળી પડતી. તેઓ ઘરે ઘરે ફરી હોળી માટે છાણા એકઠા કરતા હતા. આ ઉપરાંત શેરીએ શેરીએ લોકો પાસે ગાય હતી. આ લોકો જાતે જ છાણા બનાવતા, જ્યારે આજે લોકો તૈયાર છાણા ખરીદી રહ્યા છે. આજના આધુનિક યુગમાં લોકોનો સમય ટીવી અને મોબાઈલે લઈ લીધો હોવાથી શહેરોમાં આ બધું ભૂલાતું જાય છે. પરંતુ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ પરંપરા અકબંધ જોવા મળી રહી છે.

સમરસતાનું પ્રતીક, હોળી

હોળીની સાર્વજનિક ઉજવણી :અગાઉ ગામડામાં એક મોટી હોળી બનાવવામાં આવતી અને તેને પ્રગટાવ્યા બાદ તેના છાણામાંથી જ ગામની અન્ય હોળીને પ્રગટાવવાની પરંપરા હતી. કચ્છ માટે હોળી છે તે કોમી એકતાની મિશાલ આપતો તહેવાર બની રહ્યો છે. ફરક એ છે કે અગાઉ આખું ફળિયું અને મહોલ્લાના લોકો ભેગા થઈને હોળીની ઉજવણી કરતા, જોકે આ માહોલ હવે શહેરમાં જોવા મળતો નથી.

હોલીકાદહનમાં છાણાંનું મહત્વ :હોળીના તહેવાર પર હોળૈયા બનાવવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે. ઉલ્લેખનીય છે કે છાણાનો ઉપયોગ હવે રોજિંદા જનજીવનમાં હોલિકાદહન પૂરતો જ રહી ગયો છે. જ્યારે અગાઉ બળતણ તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. અગાઉ મહિલાઓ દિવાળી પૂર્ણ થતાની સાથે જ હોળીના ચારથી પાંચ માસ અગાઉ જ છાણાં બનાવવામાં લાગી જતી હતી. આજે શહેરોમાં છાણાની ખૂબ અછત જોવા મળતી હોય છે. પરિણામે આજે છાણા ઊંચા ભાવે વેચાય છે.

હોળૈયાના હારની વિવિધતા :આજે પણ ગામડાઓના દરેક ઘરમાં લોકો પાસે પશુધન હોવાથી મહિલાઓ નિ:શુલ્ક હોળૈયા આપે છે. શેરીએ શેરીએ થતી થતી હોળી માટે મહિલાઓ 15 દિવસ અગાઉ હોળૈયા બનાવે છે. હોળૈયા એટલે હોળીમાં નાખવાના નાના છાણા, જેમાં વચ્ચે કાણું કરવામાં આવે છે અને તેનો હાર બનાવવામાં આવે છે. આ હોળૈયામાં પણ વ્યક્તિ અને વિસ્તાર પ્રમાણે હોળી માતાના હારમાં વિવિધતા જોવા મળતી હોય છે.

હોલીકાદહનમાં છાણાંનું મહત્વ

ઘુરિયા પીરની સ્થાપના :હોળીના તહેવારમાં અગાઉ ધુરિયા પીરની સ્થાપના કરવામાં આવતી હતી. જેમાં ખાડો કરી પથ્થરની સ્થાપના કરી તેના પર આંખ અને નાક લગાવીને સ્થાપના કરવામાં આવે છે. એક વ્યક્તિને ઘોઘા પીર બનાવવામાં આવે છે, જે આખા ફળિયામાં જઈને હોળી માટે પૈસા એકત્ર કરે, છાણા એકત્ર કરે, અગરબત્તી એકત્ર કરે જે પરંપરા હવે ધીરે ધીરે લુપ્ત થતી જાય છે.

ઐતિહાસિક અંજારનું આકર્ષણ ‘ઘેર' :હોળીના દિવસે હોળીકા દહનનું આયોજન કરનાર યુવાન ટોળી હોળૈયાના હાર ઉઘરાવવા નીકળે છે. પરંતુ હવે આધુનિકતાની આડમાં ગામડામાં પણ પરંપરા ઓછી થવા લાગી છે. ઉપરાંત આજની નવી પેઢીની મહિલાઓ પણ હોળૈયા બનાવતી નથી, જેના કારણે સીમાડામાં કે ગૌશાળામાં છાણા વીણવા જવું પડે છે. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં ‘ઘેર' નીકળે છે. જેમાં હસી મજાક, ઠઠ્ઠા મશ્કરી કરીને ઘેર કાઢીને હોળી ઉજવવામાં આવે છે. ઇશાકચંદ્રનું ફૂલેકું નીકળે છે, ઇશાક અને ઈશાકડીના લગ્ન થાય છે. અંજાર શહેરે આજે પણ આ પરંપરા જાળવી રાખી છે.

ઇશાક-ઇશાકડીનો લગ્નોત્સવ :ઉલ્લેખનીય છે કે આ 200 વર્ષથી પણ જૂની પરંપરા છે. જેમાં ઇશાક-ઈશાકડીનાં લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ ઉજવણી સંદર્ભે માણેક સ્તંભ રોપણ સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. સોમવારે ધૂળેટીના દિવસે ઇશાક-ઇશાકડીનો લગ્નોત્સવ યોજાશે. આ માટે ઠેર ઠેર લીંબુ, મરચા અને રીંગણનાં તોરણ બાંધવામાં આવશે.

  1. વિસનગરમાં રમાતી ખાસડા હોળીની અનોખી પરંપરા, જૂતાં મારો તો વર્ષ સારું જાય - Visnagar Khasda Holi 2024
  2. જાણો ડાકોરના ઠાકોરની હોળી વિશે, ડાકોર રણછોડરાયજી મંદિરમાં રંગોત્સવની ધૂમ - Holi 2024 Dakor

ABOUT THE AUTHOR

...view details