પરીક્ષાની ઉપર તમારી અપેક્ષાની બાળકો પર અસર શું ? સુરત :માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાને લઈને ઘણા વિદ્યાર્થીઓ તણાવમાં છે. ડોક્ટરોનું કહેવું છે કે બોર્ડના 20 ટકા વિદ્યાર્થીઓ અતિ તણાવમાં છે. આવા વિદ્યાર્થીઓનું વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તેઓ કોઈ ખોટું પગલું ના ભરે. વિદ્યાર્થીઓનું એમ પણ કહેવું છે કે, તેમના વાલીઓ બોર્ડની પરીક્ષામાં 80 થી 90 ટકા મેળવવાનો ટાર્ગેટ આપે છે. સારા માર્ક મેળવવાનો બોજ તેમના પર નાખવામાં આવે છે, જેના કારણે તેઓ તણાવમાં રહે છે.
ETV Bharat ગ્રાઉન્ડ રિપોર્ટ : બોર્ડની પરીક્ષાઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ETV BHARAT દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તેમના વાલીઓ તેમને 80 થી 90 ટકા મેળવવાનો ટાર્ગેટ આપ્યો છે. બોર્ડમાં મોટાભાગના વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા દ્વારા આપેલા પરીક્ષામાં સારા ટકા મેળવવા લક્ષ્યના કારણે તણાવમાં છે. આવી સ્થિતિમાં માતાપિતાએ સમજાવવું પડશે કે તેમની ઈચ્છા અને અપેક્ષા બાળકો માટે ચિંતા અને હતાશાનું કારણ બને છે.
વાલીઓની ઈચ્છા :માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવે, પરંતુ તેમની આ ઈચ્છા બાળકો પર બોજ બની જાય છે. મનોચિકિત્સકો પોતે માને છે કે બોર્ડની પરીક્ષા આપનાર 20 ટકા વિદ્યાર્થીઓ ભારે હતાશાથી પીડાય છે. તેઓ તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલ ટકાવારીના ટાર્ગેટને સહન કરી શકતા નથી અને તેમને માનસિક સમસ્યાઓ આવે છે.
ટાર્ગેટના કારણે ગૂંચવાયું ગણિત :એક વિદ્યાર્થી નિશાજે જણાવ્યું હતું કે, મારા પિતા સિલાઈ મશીન બનાવનાર તરીકે કામ કરે છે. તેઓ ઇચ્છે છે કે હું 80 ટકાથી વધુ ગુણ મેળવું. વાલીઓ હંમેશા કહે છે કે સારા માર્ક્સ મેળવો. અમે ભણીએ અને પરીક્ષા નજીક આવે છે ત્યારે તેનો ડર લાગે છે. ડર લાગે છે ત્યારે આપણે વધુ અભ્યાસ કરીએ છીએ અને ટેન્શન હોય છે ત્યારે આપણા મગજમાં એક જ વાત ચાલે છે કે આપણે 80 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના છે.
બાળકને વિશ્વાસ અપાવો :અન્ય એક વિદ્યાર્થિની નિકિતા પુરોહિતે કહ્યું કે, પરિવાર મારા પાસેથી શ્રેષ્ઠ ગ્રેડ હાંસલ કરવાની અપેક્ષા રાખે છે. હું ટોચ પર છું અને મારો પરિવાર ઈચ્છે છે કે હું IAS ઓફિસર બનું. વાલીઓ ઈચ્છે છે કે હું 80 ટકાથી વધુ મેળવું, પણ મને લાગે છે કે આટલી ટકાવારી આવશે ? પણ અભ્યાસ ચાલુ છે.
પરીક્ષા ઉપર અપેક્ષાનું ટેન્શન :વિદ્યાર્થિની ગુડિયાસિંઘે જણાવ્યું કે, આગળ શું થશે તેની થોડી ચિંતા છે, કારણ કે પરિવારના સભ્યોએ કહ્યું છે કે મારે 80 ટકાથી વધુ માર્કસ મેળવવા જોઈએ. મારા માતા-પિતાનું સપનું છે કે તેમની દીકરી ડોક્ટર બને. હું મારી શાળા અને મારા માતા-પિતાને ગૌરવ અપાવવા માંગું છું. એવું લાગે છે કે પરિવારના સભ્યોને ઘણી અપેક્ષા છે પરંતુ હું સારા માર્ક મેળવવાનો પ્રયાસ કરી રહી છું. ઘણું ટેન્શન છે પણ મેં પરીક્ષાઓ માટે ટાઈમ ટેબલ પણ બનાવ્યું છે.
મનોચિકિત્સકના મતે :સરકારી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર કમલેશ દવેએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી માતા-પિતાએ ક્યારેય પણ પોતાના બાળકને વધુ ચિંતા ન આપવી જોઈએ. બીજા બાળકો સાથે સરખામણી ન કરવી જોઈએ અને તેમને કહેવું જોઈએ કે તમારા માર્ક્સ ઓછો આવશે અથવા તો તમે ફેલ થઈ જશો, તો પણ હું તમારી સાથે છું.
અહેવાલ વાંચ્યો ! તો હવે આ વાત નોંધી લો : હાલ બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓમાંથી 20 ટકા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેઓ પરીક્ષાને લઇ એક્સ્ટ્રીમ ડિપ્રેશનમાં જોવા મળે છે. તેઓ આત્મહત્યા કરે છે અથવા તો ઘર છોડીને નાસી જાય છે. કેટલાક બાળકો તણાવમાં હોય છે, પરંતુ તેઓ પરીક્ષા બાદ આ તણાવમાંથી નીકળી જાય છે. વાલીઓએ ખાસ પરીક્ષા વખતે બાળકો સાથે રહેવું જરૂરી છે, તેઓ જે પણ કરે તેમને વિશ્વાસ અપાવવો જરૂરી છે કે અમે હંમેશા તેમની સાથે રહીશું.
- SSC Exam Result 2023 : ધો 10માં ધારેલું પરિણામ ન આવતા એકના એક દીકરાએ કરી આત્મહત્યા
- SSC Exam Result 2023 : ધો 10ના પરિણામના ટેન્શમાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, રિઝલ્ટ આવ્યું 64 ટકા