સુરત :શહેરમાં ફરી એકવખત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા સ્થાનિક લોકોએ અટકાવી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતી પર ધારદાર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેને જોઈ લોકો એકત્ર થઈ ગયા અને હુમલાખોરને પકડી કાપોદ્રા પોલીસના હવાલે કર્યો હતો. હુમલો કરતી વખતે હુમલાખોર યુવાન એક જ વાત કહેતો હતો કે, તું શા માટે ફોન ઉપાડતી નથી, મને કેમ રિસ્પોન્સ નથી આપતી ?
ગ્રીષ્મા હત્યાકાંડ થતા બચ્યો :સુરતના કામરેજ વિસ્તારમાં બનેલી ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવતી ઘટના બની છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થીની પર તેના જ મિત્રએ ચપ્પુ વડે સરેઆમ હુમલો કર્યો હતો. જોકે ગ્રીષ્માના કિસ્સામાં લોકો ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા. પરંતુ આ વખતે બનેલી ઘટનામાં લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો.
એક તરફી પ્રેમમાં પાગલ આરોપી :ભોગ બનનાર વિદ્યાર્થીની જ્યારે પોતાના મિત્ર સાથે બાઈક પર બેસીને ઘરે આવી રહી હતી, ત્યારે હુમલાખોર આરોપી રિતિક વસાવા રીક્ષામાં બેસીને આવ્યો અને બાઈકને લાત મારી હતી. જેના કારણે વિદ્યાર્થીની અને તેનો મિત્ર બાઈક પરથી નીચે પટકાયા હતા. આરોપી રિતિક વસાવાએ વિદ્યાર્થીનીને કહ્યું કે, તું શા માટે મારો ફોન ઉપાડતી નથી ? મને રિસ્પોન્સ આપવાનું શા માટે બંધ કર્યું છે ? એટલું કહી આરોપીએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી વિદ્યાર્થીની પર હુમલો કર્યો, જેમાં યુવતીના મોઢાના ભાગે આંખ અને હાથ પર ઇજા થઈ હતી. જોકે યુવતી પર હુમલો કરી રહેલા આરોપીને જોઈને ત્યાં લોકો એકત્ર થઈ ગયા હતા. એકઠા થયેલા લોકોએ આરોપીને પકડી પાડ્યો અને એટલું જ નહીં લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.
હુમલાખોર યુવતીનો સહપાઠી :આ સમગ્ર મામલે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યુંં હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે 24 વર્ષીય રિતિક વસાવાની ધરપકડ કરાઈ છે. આરોપીએ જણાવ્યું હતું કે તે સ્કૂલમાં યુવતી સાથે ભણતો અને બંને એકબીજાને ઓળખતા હતા. આરોપી હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે. આ ઘટના જોતા જ લોકો એકત્ર થઈ ગયા અને આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. યુવતી ઈજાગ્રસ્ત થઈ છે અને આંખની બાજુ ચાર ટાંકા આવ્યા છે.
- Surat Crime : સુરતમાં સરેઆમ હત્યાનો બનાવ, પંતગબજારમાં હત્યારાએ યુવકને ચપ્પુ ઘોપ્યું
- સુરત: ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમિકાને પરિણીત પ્રેમીએ દસમાં માળેથી ફેંકી મોતને ઘાત ઉતારી