નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ આજે રમાશે. તે પહેલા, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી વોર્મ-અપ મેચમાં, મેન ઇન બ્લુએ ટાઇગર્સને ખરાબ અનુભવ કરાવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ આસાનીથી 60 રનથી જીતી લીધી હતી.
પંત-પંડ્યાએ રમી શાનદાર ઇનિંગ્સ
ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો હાર્દિક પંડ્યા અને રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. ડિસેમ્બર 2022માં થયેલા અકસ્માત બાદ પહેલીવાર ભારતીય જર્સીમાં રમનાર પંતે અર્ઘસદી પારી રમી હતી. તેણે 32 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. પંતે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
આ સિવાય IPLમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ઝઝૂમી રહેલા હાર્દિક પંડ્યાએ પણ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે 23 બોલમાં 40 રનની ઇનિંગ રમી જેમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું અને 1 ઓવરમાં તનવીર ઈસ્લામની બોલીંગ પર સતત 4 સિક્સ ફટકારી. આ ઉપરાંત પંડ્યાએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી.
આ ઉપરાંત સંજુ સેમસન કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને 6 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 19 બોલમાં 23 અને સૂર્યકુમાર યાદવે 18 બોલમાં 31 રન બનાવ્યા હતા.
ભારતીય બોલર્સનો તરખાટ
ભારતની બોલિંગની વાત કરીએ તો પ્રેક્ટિસ મેચમાં ભારતના 8 બોલર્સ એ શાનદરા બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ બે-બે વિકેટ લીધી હતી. બંને બોલરોએ 3 ઓવરમાં અનુક્રમે 12 અને 13 રન આપ્યા હતા. જ્યારે જસપ્રિત બુમરાહે 2 ઓવરમાં 12 રન આપીને 1 વિકેટ, મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાએ પણ એક વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યાનું ફોર્મમાં પરત ફરવું ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત છે. સાથે જ ભારત પાસે ઓલરાઉન્ડરોની પણ કમી નથી. રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.