રાજકોટ:રણજી ટ્રોફી 2024-25ના બીજા તબક્કામાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્પિનનો જાદુ જોવા મળ્યો. રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલ મેચમાં જાડેજાએ સૌરાષ્ટ્ર તરફથી 5 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બીજા જાડેજાએ ઋષભ પંતને આઉટ કર્યો હતો.
રણજી ટ્રોફીમાં જાડેજાનું ફોર્મ યથાવત:
રણજી ટ્રોફી 2024-25માં આજે દિલ્હી અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા પણ રમતા જોવા મળી રહ્યા છે. દિલ્હીનો વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત પહેલી ઇનિંગમાં ફ્લોપ સાબિત થયો હતો, જ્યારે સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ લઈને દિલ્હીની બેટિંગની કમર તોડી નાખી.
દિલ્હીની ટીમ 188 રનમાં જ ઢળી પડી:
સૌરાષ્ટ્રની શાનદાર બોલિંગ સામે, દિલ્હીની આખી ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 188 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી તરફથી બેટિંગ કરતા કેપ્ટન આયુષ બદોનીએ સૌથી વધુ 60 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત યશ ધુલ 44 અને મયંકે અણનમ 38 રન બનાવ્યા હતા.