હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ આજે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ગિલ ભારતના તે બેટ્સમેનોમાંનો એક છે જે ત્રણેય ફોર્મેટમાં રમતા જોવા મળે છે. પંજાબના ફાઝિલ્કામાં 8 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા આ સ્ટાર બેટ્સમેનને ભવિષ્યના વિરાટ કોહલી અને સચિન તેંડુલકર માનવામાં આવે છે. ગિલને ટીમ ઈન્ડિયાના પ્રિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે તાજેતરમાં જ ભારત માટે ODI વર્લ્ડ કપ 2023માં પણ ભાગ લીધો હતો. આજે ગિલના જન્મદિવસના અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
આજે ગુજરાત ટાઇટન્સ તેમના સુકાની, શુભમન ગીલના 25મા જન્મદિવસની ઉજવણી માટે બોક્સપાર્ક, ગોતા, અમદાવાદ ખાતે અગાઉ ક્યારેય ન જોયેલી આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરશે. જેમાં ગિલના ફેન્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
શુભમન ગિલે વર્ષ 2018માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેણે સેમીફાઈનલમાં પણ પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી હતી. ગિલ અંડર-19 વર્લ્ડ કપ 2018માં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ બન્યો હતો. ત્યારબાદ તેની સરખામણી વિરાટ કોહલી સાથે પણ કરવામાં આવી રહી હતી. ગિલની રમવાની શૈલી પણ કોહલી સાથે મેળ ખાય છે.
શુભમન ગિલના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ અને રસપ્રદ વાતો:
- તેના માતા-પિતા સિવાય શુભમન ગિલના પરિવારમાં એક બહેન પણ છે, જેનું નામ શાહનીલ ગિલ છે.
- તેના પિતાનું નામ લખવિંદર સિંહ છે, જેઓ એક ખેડૂત છે. તેનો પરિવાર પંજાબમાં જ રહે છે.
- ગિલના પિતાએ તેને 3 વર્ષની ઉંમર પછી જ ક્રિકેટ કોચિંગમાં મૂક્યો હતો.
- શુભમન ગિલે અંડર-19 વર્લ્ડ કપ 2018માં ભારત માટે પોતાનું નામ રોશન કર્યું હતું.
- આ પછી તેણે આઈપીએલમાં પ્રવેશ કર્યો, તે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો.
- હાલમાં, ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે. તે IPL 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સનો પણ ભાગ રહી ચૂક્યો છે.
- શુભમન ગિલને ODI અને T20માં ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સાથે તેણે ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું છે.
- શુભમન ગિલે 2020માં ઓસ્ટ્રેલિયા સામે તેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કરી હતી. ગિલે 24 ટેસ્ટ મેચની 46 ઇનિંગ્સમાં 4 સદી અને 6 અડધી સદીની મદદથી 1492 રન બનાવ્યા છે.
- ગિલે જાન્યુઆરી 2019માં ન્યૂઝીલેન્ડ સામે તેની આંતરરાષ્ટ્રીય વનડે ડેબ્યૂ કર્યું હતું. ગીલે 47 ODI મેચોની 47 ઇનિંગ્સમાં 6 સદી અને 13 અડધી સદીની મદદથી 2328 રન બનાવ્યા છે.
- ગિલે જાન્યુઆરી 2023માં શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ટી20માં ડેબ્યૂ કર્યું હતું. ગિલે 21 ODI મેચોની 21 ઇનિંગ્સમાં 1 સદી અને 3 અડધી સદી સાથે 578 રન બનાવ્યા છે.
- શુભમન ગિલે વનડે ક્રિકેટમાં બેવડી સદી પણ પોતાના નામે કરી છે. તે ભારત માટે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ છે.
- ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા ગીલે 103 મેચની 100 ઇનિંગ્સમાં 4 સદી અને 20 અડધી સદી સાથે 3216 રન બનાવ્યા છે.
- ગિલ તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ છે.
- તેણે ભારત માટે સૌથી નાની ઉંમરની ટી20 સદી ફટકારી છે.
- ગિલે IPLની એક સિઝનમાં 700 રન બનાવનાર સૌથી યુવા વ્યક્તિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
- તે સૌથી ઝડપી 1,500 ODI રન બનાવનાર બેટ્સમેન પણ છે.