મુંબઈઃભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. નવેમ્બરથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આ શ્રેણીની પ્રથમ કે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહી શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, રોહિતે અંગત કારણોસર બીસીસીઆઈને આ માહિતી આપી હતી.
ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ રમાશેઃ .
ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ ભારતીય ટીમ ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને 3 મેચ રમાશે. આ સિરીઝ ભારતમાં જ રમાશે, જેની સૌ ક્રિકેટ પ્રેમી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સૌથી રસપ્રદ બોર્ડર-ગાવસ્કર ટુર્નામેન્ટ છે, જ્યાં ભારતે છેલ્લા બે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં શ્રેણી જીતી છે. આ વખતે શ્રેણી 4ને બદલે 5 ટેસ્ટ મેચની રમાશે, પરંતુ આમાંથી એક મેચમાં ભારતીય ટીમને કેપ્ટન વિના રમવું પડી શકે છે.
શું કહે છે રિપોર્ટ:
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય કેપ્ટને બીસીસીઆઈને આ અંગે જાણકારી આપી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં અને બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. આવી સ્થિતિમાં રોહિત પ્રથમ કે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. બીસીસીઆઈના એક રિપોર્ટ અનુસાર હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. સૂત્રએ કહ્યું કે, ભારતીય કેપ્ટને બોર્ડને તેની સ્થિતિ વિશે જાણ કરી છે અને કહ્યું છે કે તેને તાત્કાલિક અંગત કારણોસર એક ટેસ્ટમાંથી બહાર બેસવું પડશે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ટેસ્ટ સિરીઝ પહેલા આ અંગત મામલો ઉકેલાઈ જાય તો તે પાંચેય ટેસ્ટ મેચ રમી શકે છે. હવે સવાલ એ છે કે આ દરમિયાન કેપ્ટન કોણ રહેશે.