કરાચી: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત 19 ફેબ્રુઆરીએ એટલે કે આજથી કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રોમાંચક મેચ સાથે થઈ ગઈ છે. પાકિસ્તાન ટીમનું નેતૃત્વ મોહમ્મદ રિઝવાન કરી રહ્યા છે જ્યારે ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ મિશેલ સેન્ટનર કરી રહ્યા છે. બંને કેપ્ટનો માટે આ પહેલી ICC ઇવેન્ટ છે. જ્યાં તે પોતાની કેપ્ટનશીપથી પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ કરશે.
ભારતીય સમય અનુસાર બપોરે 2.30 એ મેચ શરૂ થઈ જેમાં પાકિસ્તાને ટોસ જીતી મહેમાન ટીમ ન્યુઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. બ્લેકકેપ્સની શરૂઆત સારી ન રહેતા મહત્વની 2 વિકેટ ગુમાવી ચૂક્યા છે. અબરાર અહેમદ અને નસિમ શાહે 10 ઓવરની અંદર જ ન્યુઝીલેન્ડના બંને ઓપનર ડેવોન કોનવે (10) અને કેન વિલિયમસન (1)ની વિકેટ ઝડપી પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી દીધી. હાલ કિવિ ટીમ 15 ઓવરે 2 વિકેટના નુકશાન સાથે 71 રન પર છે. હાલ વિલ યંગ (49) અને ડેરિલ મિશેલ (9) ન્યુઝીલેન્ડની પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. (આ અહેવાલ લખાય છે ત્યાં સુધીનો સ્કોર)
28 વર્ષ પછી પાકિસ્તાનમાં ICC ટુર્નામેન્ટનું આયોજન:
1996 પછી આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાન કોઈ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. વધુમાં, આઠ વર્ષના અંતરાલ પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફી પરત ફરી રહી છે, અને 2009 માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી પહેલીવાર, ઘણી ટીમો પાકિસ્તાનની ધરતી પર ICC ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે.
પાકિસ્તાન ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન:
યજમાન હોવાને કારણે, મોહમ્મદ રિઝવાનની ટીમને હંમેશા ઘરઆંગણે ફાયદો મળે છે. પરંતુ તાજેતરમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં, પાકિસ્તાનને ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, તેઓએ 2017ની ટુર્નામેન્ટમાં ભારતને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. પાકિસ્તાન ટીમમાં સેમ અયુબ સિવાય બધા ખેલાડીઓ હાજર છે.
તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ પણ પાકિસ્તાન પર પોતાની લીડ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જોકે, ન્યૂઝીલેન્ડને ફાસ્ટ બોલર બેન સીઅર્સ અને લોકી ફર્ગ્યુસનની ખોટ સાલશે, જેમને ઈજાના કારણે છેલ્લી ઘડીએ બહાર કરી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને જેકબ ડફી અને કાયલ જેમિસનને સામેલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મેચ