દુબઈ: ચાહકોની રાહનો અંત આવ્યો અને આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત-પાકિસ્તાન મેચ શરૂ થઈ ગઈ છે. દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ જીતી શક્યો નહીં. આ સિક્કો પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનના પક્ષમાં પડ્યો. રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રોહિત શર્મા 2023ના વર્લ્ડ કપ બાદ વનડેમાં સતત 9મી વખત ટોસ હાર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો.
સતત 12 વખત ટોસ હાર્યા:
હકીકતમાં, ભારતીય ટીમે ODI ક્રિકેટમાં સતત 12મી મેચમાં ટોસ હારી ગયા છે. જેમાં 9 રોહિત શર્માના નામે છે અને ત્રણ કે એલ રાહુલના નામે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ સતત સૌથી વધુ વનડે ટોસ હારવાનો અનિચ્છનીય વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. વનડેમાં સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ અગાઉ નેધરલેન્ડ્સની ટીમના નામે હતો.
આ ટીમ સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગઈ હતી. 2023ના વર્લ્ડ કપની ફાઇનલ પછી ભારત સતત 12 વાર ટોસ હારી ગયું છે. વનડેમાં કોઈપણ ટીમનો ટોસ હારવાનો આ સૌથી લાંબો સિલસિલો છે. માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે નેધરલેન્ડ્સ 11 વખત ટોસ હાર્યું.