હેમિલ્ટન (ન્યૂઝીલેન્ડ):ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય સીરીઝની ત્રીજી ટેસ્ટમાં યજમાન ન્યુઝીલેન્ડે ઇંગ્લેન્ડને 423 રને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. ટોમ લેથમની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ તેની સૌથી મોટી ટેસ્ટ જીત નોંધાવી છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 423 રનના માર્જીનથી હરાવીને 2018માં હાંસલ કરેલી સિદ્ધિની બરાબરી કરી લીધી છે.
ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 423 રનથી હરાવ્યું: ઈંગ્લેન્ડે પહેલા જ 2 મેચ જીતીને શ્રેણી જીતી લીધી હતી. જોકે, ન્યૂઝીલેન્ડના બોલરોએ ત્રીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની જીતનો સિલસિલો અટકાવ્યો હતો અને શ્રેણીની અંતિમ મેચ જીતીને પોતાની પ્રતિષ્ઠા બચાવી હતી. જોકે, હાર છતાં ઈંગ્લેન્ડે 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
કિવી બોલરોનું શાનદાર પ્રદર્શન: પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ટોમ લેથમ (63) અને મિશેલ સેન્ટનર (76)ની અડધી સદીને કારણે કુલ 347 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી મેથ્યુ પોટ્સે 4 વિકેટ ઝડપી હતી જ્યારે ગુસ એટકિન્સને પોતાના સ્પેલ દરમિયાન 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ત્યારબાદ બ્લેકકેપ્સે વિરોધી ટીમને 143 રનમાં આઉટ કરીને મેચમાં લીડ મેળવી હતી. મેટ હેનરીએ 4 વિકેટ લીધી હતી જ્યારે વિલિયમ ઓ'રર્કે અને મિશેલ સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી.