નવી દિલ્હીઃ ભારતીય મહિલા બોક્સર મેરી કોમના બોક્સિંગમાંથી સંન્યાસને લઈને બુધવારે મોડી રાત્રે સમાચારો સામે આવ્યા હતા. આ સમાચાર જંગલમાં આગની જેમ પ્રસરી ગયાં હતાં. ત્યારે 6 વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન રહી ચુકેલા મેરી કોમે રમતમાંથી નિવૃત્તિના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે, અને હાલમાં નિવૃત્તિ લેવાનો તેમનો કોઈ વિચાર નથી.
લંડન ઓલિમ્પિક્સ 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમે સત્તાવાર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, 'મીડિયાના મારા મિત્રો, મેં હજુ સુધી મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી અને મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે પણ મારે મારી નિવૃત્તિની જાહેરાત કરવી હશે ત્યારે હું જાતે જ બધાને કહીશ.
ડિબ્રુગઢમાં એક કાર્યક્રમ દરમિયાન મેરી કોમના સંન્યાસના સમાચાર મીડિયામાં વહેતા થયાં હતાં, ત્યારે મેરી કોમે કહ્યું હતું કે વય મર્યાદાના કારણે તે હવે ઓલિમ્પિક રમી શકશે નહીં. પૂર્વ રાજ્યસભા સાંસદે કહ્યું, 'મેં કેટલાક મીડિયા રિપોર્ટ્સ જોયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે મેં રમત-ગમતને અલવિદા કહી દીધું છે, જે યોગ્ય નથી.'
તેણીએ કહ્યું, કે 'હું 24 જાન્યુઆરીએ ડિબ્રુગઢમાં એક શાળાના કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી, જ્યાં હું બાળકોને ઉત્સાહિત કરી રહી હતી. મેં કહ્યું હતું કે મને હજુ પણ રમત-ગમતમાં નવી ઊંચાઈએ પહોંચવાની ભૂખ છે, પરંતુ ઓલિમ્પિકમાં વય મર્યાદાના કારણે હું ભાગ લઈ શકતી નથી. જોકે, હું મારી રમત ચાલુ રાખી શકું છું અને મારું ધ્યાન ફિટનેસ પર છે.
41 વર્ષની મેરી કોમે આગળ લખ્યું, 'જ્યારે પણ હું નિવૃત્તિનો નિર્ણય લઈશ, ત્યારે હું બધાને કહીશ. કૃપા કરીને તમારા સમાચાર સુધારો. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નિયમો હેઠળ માત્ર 40 વર્ષ સુધીના પુરુષ અને મહિલા બોક્સર જ ઓલિમ્પિક જેવી ચુનંદા ઈવેન્ટ્સમાં ભાગ લઈ શકે છે.
- Suryakumar Yadav: સતત બીજીવાર મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીતી લીધો છે
- મિશેલ સ્ટાર્કે તોડ્યા તમામ રેકોર્ડ, 24.75 કરોડ રૂપિયા સાથે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો