કોલકાતા (ઈડન ગાર્ડન્સ): ભારતીય ક્રિકેટ ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ જીતવા માટેના 133 રનના ટાર્ગેટને 12.5 ઓવરમાં 43 બોલ બાકી રહેતા 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવીને હાંસલ કરી લીધો અને 7 વિકેટે જીત મેળવી લીધી. ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે બોલના મામલે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.
ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું: આ મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. આ બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 4.2 ઓવરમાં 41 રન જોડ્યા હતા. ભારતને પહેલો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો. જોફ્રા આર્ચરે તેને 26 રન પર પેવેલિયન મોકલ્યો હતો. પોતાની ઈનિંગ દરમિયાન સંજુએ 130ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય રને જોફ્રા આર્ચરના બોલ પર વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.
અભિષેકે રમી તોફાની અડધી સદીની ઇનિંગ્સ: આ પછી અભિષેક શર્માએ પોતાનું આક્રમક વલણ ચાલુ રાખ્યું. તિલક વર્મા સાથે મળીને તેણે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 20 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્માએ 232.35ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે 33 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 79 રનની તોફાની ઈનિંગ રમી હતી. ભારત તરફથી તિલક વર્માએ 19 રન અને હાર્દિક પંડ્યાએ 3 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે 7 વિકેટે જીત મેળવી હતી.