નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી બે મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. BCCIએ ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી રમાનાર પ્રથમ ટેસ્ટ મેચ માટે 16 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. પરંતુ, આમાં કોઈ ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં વાઇસ કેપ્ટન રહેલા જસપ્રિત બુમરાહને આ વખતે વાઇસ કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો નથી? આ સમાચારમાં અમે તમને એ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
બુમરાહને વાઈસ કેપ્ટન કેમ ન બનાવવામાં આવ્યો?: ભારતના જમણા હાથના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. પરંતુ, તે પદ પર રહેવાને બદલે, તે બાંગ્લાદેશ સામેની આગામી પ્રથમ ટેસ્ટમાં ટીમના નિયમિત સભ્ય તરીકે રમશે.
બુમરાહને વાઈસ-કેપ્ટન ન બનાવવો આ એ દર્શાવે છે કે બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટ તેને ભાવિ કેપ્ટન તરીકે જોઈ રહ્યા નથી. આ તેમના વર્કલોડને ઘટાડવાનો એક માર્ગ પણ હોઈ શકે છે.
શું બુમરાહની ઈજાનો ઈતિહાસ અડચણરૂપ બન્યો?: બુમરાહને ભવિષ્યમાં કેપ્ટન ન બનાવવામાં આવે તેનું બીજું મોટું કારણ તેની વારંવારની ઇજાઓ છે. કેપ્ટન માટે ટીમમાં સતત ઉપલબ્ધ રહેવું મહત્વપૂર્ણ છે અને બુમરાહનો ઈજાનો ઈતિહાસ આમાં અવરોધ બની શકે છે. નોંધનીય છે કે, ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ વાઈસ-કેપ્ટન્સી પ્રત્યે ભારતનો અભિગમ બદલાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને T20Iમાં કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને શુભમન ગિલને ODI અને T20I બંનેમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.