સિડની (ઓસ્ટ્રેલિયા): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી 5મી ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવ 185 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ફરી એકવાર ભારતના ટોપ-4 બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને વિરાટ કોહલીમાંથી કોઈ પણ બેટ્સમેન આ પિંક ટેસ્ટમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો છે.
પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયાનો સ્કોર (9/1)
સિડની ટેસ્ટના પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટના નુકસાને 9 રન બનાવી લીધા હતા. તે હજુ પણ ભારતથી 176 રન પાછળ છે. દિવસની છેલ્લી ઓવરમાં મેદાન પર મોટો ડ્રામા જોવા મળ્યો હતો. સેમ કોસ્ટાસ અને જસપ્રિત બુમરાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ બુમરાહે ઉસ્માન ખ્વાજા (2)ને સ્લિપમાં આઉટ કર્યો અને પછી જોરશોરથી ઉજવણી કરી.
ભારતની પ્રથમ ટીમ 185 રનમાં જ ઓલઆઉટ:
રોહિત શર્માએ સિડની ટેસ્ટમાં પોતાને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો. જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી અને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ, બેટિંગ યુનિટે ફરી એકવાર નિરાશ કર્યું અને આખી ટીમ પ્રથમ દાવમાં 185 રનના સ્કોર પર જ સિમિત રહી. બેટ્સમેનોના આ ખરાબ પ્રદર્શનને કારણે ફરી એકવાર બોલરો પર સિરીઝમાં મેચ બચાવવાનું દબાણ આવી ગયું છે.
ભારતના ટોપ-4 બેટ્સમેનો ફ્લોપ રહ્યા:
પ્રથમ બેટિંગ કરતા ભારતની ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. ચાહકોને આ બંને પાસેથી સારી શરૂઆતની આશા હતી. પરંતુ, મિશેલ સ્ટાર્કે કેએલ રાહુલ (4)ને સેમ કોન્સ્ટાસના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. યશસ્વી જયસ્વાલ પણ વધુ સમય ટકી શક્યો ન હતો અને 10 રનના અંગત સ્કોર પર સ્કોટ બોલેન્ડનો શિકાર બન્યો હતો.
આ બંનેના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે સારી ભાગીદારી ખીલી હતી. પરંતુ, લંચ પહેલા માત્ર એક બોલે, અનુભવી સ્પિનર નાથન લિયોને ગિલ (20)ને સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ કરાવ્યો અને લંચ સુધી ભારતના સ્કોર (57/3)માં વધારો કર્યો.