વડોદરા: 14 ફેબ્રુઆરી એટલે કે આજથી શરૂ થનાર વુમન્સ પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. આ મેચ વડોદરાના નવ નિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપ 'એશ્લે ગાર્ડનર' ના હાથમાં હશે જે પ્રથમવાર આ ટીમનું નેતૃત્વ કરશે. અને બીજી તરફ RCB ની કેપ્ટનશીપ અનુભવી ખેલાડી સ્મૃતિ મંધાના કરશે.
ગત સિઝનમાં RCBએ ટાઇટલ જીત્યું હતું:
આરસીબીએ શરૂઆતથી જ તાકાત બતાવીને પોતાનું પહેલું WPL ટાઇટલ જીત્યું. તેઓ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને રહ્યા અને પછી એલિમિનેટરમાં ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની RCB ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ, GG માટે ગયા વર્ષે મુશ્કેલ સિઝન રહી હતી. તેઓ લીગ તબક્કામાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા. તેઓ તેમની 8 લીગ રમતોમાંથી ફક્ત 2 જ જીતી શક્યા અને અંતે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહ્યા.
બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ:
વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચાર વખત ટકરાયા છે. આમાં બંનેમાંથી કોઈને કોઈ ફાયદો નથી. બંને ટીમોએ ૨-૨ મેચ જીતી છે, તેથી સમાન સ્પર્ધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતીને આગળ વધવા માંગશે. આ મેચમાં, કેપ્ટન સ્મૃતિ મંધાના ઉપરાંત, બધાની નજર RCB તરફથી એલિસા પેરી, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ અને બોલર શ્રેયંકા પાટિલ પર રહેશે. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સ તરફથી, કેપ્ટન એશ્લે ગાર્ડનર સિવાય, દરેકને વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂની, લૌરા વોલ્વાર્ડ અને બોલર શુભમન શકીલ પાસેથી અપેક્ષાઓ હશે.
આજે વડોદરા ખાતે RCB - GG વચ્ચેની મેચનો પિચ રિપોર્ટ:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મહિલા પ્રીમિયર લીગ 2025 ની પહેલી મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાન પર ભારતીય ટીમે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતની મહિલા ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે રમી હતી, જો શ્રેણીને ધ્યાનમાં લેવામાં આવે તો બેટ્સમેનોને કોટંબી સ્ટેડિયમમાં રમવાની પુષ્કળ તકો મળશે. તે શ્રેણીની પહેલી મેચમાં ભારતે 314 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં 358 રન બનાવ્યા હતા. બોલરો માટે પિચ પણ સંતુલિત હતી, કારણ કે, ઝડપી બોલરો અને સ્પિનરો બંનેને પૂરતી મદદ મળી. શ્રેણીમાં સૌથી વધુ વિકેટ ઝડપી બોલર રેણુકા ઠાકુર 10 વિકેટ સાથે ટોચ પર રહી હતી, ત્યારબાદ સ્પિનર દીપ્તિ શર્મા 9 વિકેટ સાથે બીજા સ્થાને રહી હતી. તેથી, પીચ સંતુલિત હોવાની અપેક્ષા છે, જ્યાં બેટ્સમેન અને બોલરો બંનેને સારી મદદ મળશે તેવી અપેક્ષા છે.
ટિકિટની કિંમત કેટલી છે?
મહિલા પ્રીમિયર લીગ 2025 ની મેચો 4 સ્થળોએ રમાશે. બીસીસીઆઈએ આ માટેનું શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરી દીધું છે. લીગનો પ્રથમ તબક્કો વડોદરામાં યોજાવાનો છે, જ્યાં ટુર્નામેન્ટની પ્રથમ 6 મેચ રમાશે. અહીં યોજાનારી મેચોની ટિકિટનું વેચાણ 31 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે, જેની કિંમત માત્ર 100 રૂપિયાથી શરૂ થાય છે. આનો અર્થ એ થયો કે તમે ફક્ત 100 રૂપિયામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની શરૂઆતની મેચનો આનંદ માણી શકો છો.