જુનાગઢ: 39 મી અખિલ ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા 4 જાન્યુઆરીથી શરુ થઈ છે. મહિલા - પુરુષ સિનિયર અને જુનિયર એમ ચાર વિભાગોમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા 1200 જેટલા સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં ગિરનારને આબવા માટે દોટ મૂકી છે. આ સ્પર્ધા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. આથી વિજેતાઓને રાજ્યના રમતગમત વિભાગે ચાલીસ હજારનો વધારો કરીને ચારેય વિભાગમાં પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધકને 50,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને તેમની આ મહેનત અને રમત પ્રત્યેના લગાવને પ્રોત્સાહિત કરવા માટે ઇનામની રકમમાં વધારો કર્યો છે.
39મી અખિલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા
1971થી દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાંથી આવેલા 1200 જેટલા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ગિરનારને આબવા માટે રેસ શરૂ કરી દીધી છે. મહિલા અને પુરુષ વિભાગમાં સિનિયર અને જુનિયર 10 સ્પર્ધકોને સૌથી ઓછા સમયમાં સ્પર્ધાને પૂર્ણ કરવા માટે ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. પહેલા તબક્કામાં સિનિયર અને જુનિયર ભાઈઓ માટેની સ્પર્ધા શરૂ થઈ હતી ત્યારબાદ બીજા તબક્કામાં સિનિયર અને જુનિયર બહેનો માટેની સ્પર્ધા શરૂ થઈ કરવામાં આવી હતી. ભાઈઓ માટે 4,500 પગથિયાં અંબાજી મંદિર અને બહેનો માટે 2200 પગથિયા માળી પરબ સુધીનું અંતર નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ઇનામમાં 40,000 નો વધારો:
રાજ્યના રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મહિલા - પુરુષ સિનિયર અને જુનિયર સ્પર્ધામાં જે ખેલાડી સૌથી ઓછા સમયમાં સ્પર્ધાને પૂર્ણ કરશે તે તમામ પ્રથમ ક્રમે આવેલા સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા 50 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પ્રમાણપત્ર અને પારિતોષિત આપીને સન્માનિત કરવામાં આવશે. અગાઉ સ્પર્ધા જીતનારા અને પ્રથમ ક્રમે રહેનારા સ્પર્ધકને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રકારની સ્પર્ધા કોઈ પણ સ્પર્ધક માટે ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે સરકારે આ સ્પર્ધાની કઠિનતાને ધ્યાને રાખીને રોકડ ઇનામમાં 40,000નો વધારો કર્યો છે. આજના દિવસના અંત સુધીમાં રાજ્યકક્ષાના વિજેતા સ્પર્ધકોના નામની જાહેરાત થશે. ત્યારબાદ આગામી ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાશે.