નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન રાજ્યસભા સાંસદ હરભજન સિંહ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 3 જુલાઈ 1980ના રોજ પંજાબમાં જન્મેલા ભારતીય સ્પિનર આજે 44 વર્ષના થયા છે. હરભજન સિંહ ક્રિકેટના મહાન સ્પિનરોમાંથી એક છે. સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં હરભજને તેની શાનદાર કારકિર્દીમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી હતી.
રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા ધનખરે હરભજન સિંહને અભિનંદન પાઠવ્યા હતા. તેણે કહ્યું, 'હરભજન સિંહ 2022થી રાજ્યસભાના સભ્ય છે. તે પોતાના સમયના ટોપ-3 સ્પિનરોમાંથી એક રહ્યો છે. હરભજન સિંહે 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, તેણે ડેબ્યૂના 3 વર્ષ બાદ જ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લીધી હતી. તેણે તેની ક્રિકેટ કારકિર્દીમાં ખરેખર પ્રેરણા આપી છે. તેમને 2003માં અર્જુન એવોર્ડ અને 2009માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.