કિંગ્સટાઉન (વેસ્ટ ઈન્ડિઝ):બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સોમવારે આર્નોસ વેલ ગ્રાઉન્ડ, કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટ ખાતે પ્રથમ T20I રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે યજમાનોને ચોંકાવી દીધા હતા અને 7 રનથી શાનદાર જીત નોંધાવી હતી. 3 મેચની વનડે શ્રેણી 0-3થી ગુમાવ્યા બાદ બાંગ્લાદેશે પ્રથમ T20માં શાનદાર વાપસી કરી અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ઈતિહાસ રચ્યો.
વેસ્ટ - ઈન્ડિઝની ઘરઆંગણે પ્રથમ હાર:
બાંગ્લાદેશે પ્રથમ વખત ઘરઆંગણે T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસનના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 7 રનથી હરાવ્યું. બાંગ્લાદેશની આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે વેસ્ટ ઈન્ડિઝમાં પહેલીવાર T20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતના હીરો રહેલા મેહદી હસને 4 વિકેટ લેવાની સાથે 26 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને તેમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ વિનિંગ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં મહેમાનોને (147/6)ના સ્કોર સુધી રોક્યા. બાંગ્લાદેશ તરફથી સૌમ્યા સરકારે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. ઝાકિર અલી અને શમીમ હુસૈને 27-27 રનની ઇનિંગ રમી હતી. જ્યારે યજમાન ટીમ તરફથી અકીલ હોસેન અને ઓબેદ મેકકોયે 2-2 વિકેટ લીધી હતી.