ગાંધીનગર: સી.આર. પાટીલના અનુગામી કોણ બનશે. તેના પરથી પડદો ટૂંક સમયમાં ઊઠે તેવી સંભાવના છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. જેમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે કેન્દ્રીય નૈતત્વને અધિકાર આપતો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની પસંદગીને લઈને તૈયારી (ફાઈલ તસ્વીર) (Etv Bharat Gujarat) 4 અને 5 જુલાઈના રોજ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક: લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સી.આર. પાટીલ જીત્યા હતા. હવે તેમને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે. ત્યારે, હવે ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. બોટાદના BAPS સાળંગપુર ખાતે 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષના નામ અંગે સેન્સ લેવામાં આવે તેવી પણ ચર્ચા છે.
સી.આર પાટીલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો: લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને દેશમાં NDAની સરકાર પણ બની ચૂકી છે. એવામાં હવે ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપમાં કેટલાક અપેક્ષિત ફેરફારો થવાની અટકળો તેજ બની છે. કારણ કે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર પાટીલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. ત્યારે તેમના સ્થાને પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગીની સાથોસાથ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેટલાક ફેરફારો પણ અષાઢી બીજની રથયાત્રા બાદ હાથ ધરાય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગુજરાત ભાજપ (ફાઈલ તસ્વીર) (Etv Bharat Gujarat) આગામી 4-5 જુલાઈના રોજ સાળંગપુર ધામ ખાતે પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠક યોજાનાર છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બે દિવસીય બેઠકમાં આગામી સમયમાં આવનારી ચૂંટણીઓને લઈને સરકાર અને સંગઠનને સક્રિય રાખવાના હેતુથી વિસ્તૃત ચર્ચા કરી નવા કાર્યક્રમો જાહેર કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પીયૂષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના હોદ્દેદારો, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, સેલના સંયોજકો, કારોબારી સભ્યો, મહાનગરપાલિકા-પાલિકાના પ્રમુખો, મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખો, મેયરો પણ હાજર રહેશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટેકે ટલાક જૂના જોગીઓના નામ ચર્ચાયા: સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 જુલાઈએ યોજાનારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે. આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે. સી.આર પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે? તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ ચર્ચાય રહ્યા છે. જેમાં આ વખતે કેબિનેટ મંત્રીમાંથી પત્તું કપાયેલ દેવુસિંહ ચૌહાણ, ગોરધન ઝડફિયા, રજની પટેલ, જગદીશ પંચાલ, પ્રદીપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ રેસમાં સામેલ છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નામ પણ ચર્ચામાં છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણ મોદીનું નામ પણ દક્ષિણ ગુજરાતમાંથી ચાલી રહ્યું છે.
નવા પ્રદેશ પ્રમુખ કોણ?: રાજકીય ચર્ચા અનુસાર જે નામો બજારમાં ચાલતા હોય તે નામો પર નરેન્દ્ર મોદી ક્યારેય ભરોસો કરતા નથી. તેઓ હંમેશા સરપ્રાઈઝ એલીમેન્ટમાં માનનારા નેતા છે. ભૂતકાળમાં અનેકવાર નરેન્દ્ર મોદી દ્વારા ઉચ્ચ હોદ્દાઓ પર નવો અને નિર્વિવાદ ચહેરો મૂકવામાં આવ્યો છે. આ વખતે પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવું સ્કાય લેબ નામ આવે તેવી પણ સંભાવના રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. જેમ કે મહારાષ્ટ્રમાં જન્મેલા સી.આર. પાટીલની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારે તેમનું નામ ક્યાંય પણ ચર્ચામાં ન હતું. અચાનક સી.આર. પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવીને ભાજપે રાજકીય પંડિતોને સુખદ આંચકો આપ્યો હતો. એક થિયરી પણ સામે આવી છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે.
પૂર્ણેશ મોદીનું નામ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી પહેલું (Etv Bharat Gujarat) પૂર્ણેશ મોદી:રાહુલ ગાંધી સામે મોદી સરનેમને લઈને કેસ કરનારા અને રાહુલની મુશ્કેલી વધારનારા પૂર્ણેશ મોદીનું નામ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં સૌથી પહેલું છે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના શીરે પણ ભાજપ અધ્યક્ષનો તાજ શોભે તેવી સંભાવના છે. પૂર્ણેશ મોદીને સંગઠન અને સરકાર બંનેનો અનુભવ છે. તેઓ બે ટર્મ સુરત શહેર ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં શહેરી વિકાસ મંત્રીનો તેમને અનુભવ છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ આદિવાસી પટ્ટામાં ભાજપને મજબૂત કરવાનું શ્રેય પૂર્ણેશ મોદીને જાય છે. તેઓ ઓબીસી મોઢવણિક સમાજમાંથી આવે છે. મોદી અટક મુદ્દે પૂર્ણેશ મોદી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરીને સમગ્ર ભારતમાં ચર્ચામાં આવ્યા હતા.
વિનોદ ચાવડાને ભ્રષ્ટાચારના આક્ષેપો નડતર રૂપ:ગુજરાત ભાજપમાં અધ્યક્ષપદની રેસમાં વિનોદ ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. વિનોદ ચાવડા ગુજરાત ભાજપના યુવા ચહેરા તરીકે જાણીતા છે. સંગઠન મહામંત્રીનો તેમનો અનુભવ કામ લાગે એવો છે. ત્રણ ટર્મથી તેઓ સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે અને દલિત નેતા તરીકે પણ વિનોદ ચાવડા સ્વીકૃત ચહેરો છે. વિનોદ ચાવડા પણ પક્ષના મોવડીમંડળ માટે સ્વીકૃત નેતાની છબી ધરાવે છે. વિનોદ ચાવડા પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જોકે કોઈપણ આક્ષેપ હજી સુધી સાબિત થયો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો તેમને નડતર રૂપ થઈ શકે છે.
દેવુસિંહ ચૌહાણ સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટાયા: જો દેવુસિંહ ચૌહાણની વાત કરીએ તો તેઓ જિલ્લા સંગઠનમાં કામગીરીનો તો અનુભવ ધરાવે જ છે. ખેડાથી સતત ત્રીજીવાર સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરીનો તેમનો અનુભવ છે, અને મધ્યગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ હોવાની સાથે-સાથે ઓબીસી ઠાકોર સમાજનો પણ અગ્રણી ચહેરો છે. ઓબીસી સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તો દેવુસિંહ ચૌહાણનો નંબર લાગી શકે છે. તેઓ મૂળ કોંગ્રેસી ગૌત્રના હોવાનો તેમનો માઇનસ પોઇન્ટ છે. કારણ કે અત્યાર સુધી ભાજપે ક્યારેય કોંગ્રેસ ગોત્રના નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા નથી.
જગદીશ વિશ્વકર્મા નરેન્દ્ર મોદીના ગુડ બુકમાં: જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેમના પ્લસ પોઈન્ટમાં સંગઠનમાં કામ કરવાનો અનુભવ મુખ્ય છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે તેઓ રહ્યાં છે. રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ છે. જગદીશ પંચાલને સંગઠનમાં OBC નેતા તરીકે જો સર્વોચ્ચ જવાબદારી મળે તો મંત્રી તરીકે બીજા OBC નેતાને તક મળી શકે છે. જગદીશ વિશ્વકર્મા નરેન્દ્ર મોદીને ગુડ બુકમાં છે. પરંતુ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી એક જ શહેરના બનાવવાનું જોખમ ભાજપ ન ઉઠાવે તેવી સંભાવના છે. કારણ કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા સીટથી ધારાસભ્ય છે.
આઈ.કે.જાડેજા: ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે ત્રીજુ નામ પક્ષના જ અનુભવી નેતા આઈ.કે.જાડેજાનું છે. આઈ.કે.જાડેજાને સંગઠનમાં કામગીરીનો બહોળો અનુભવ છે. આઈ.કે.જાડેજાની છબી પણ એવી છે કે તેઓ બધાને સાથે રાખીને ચાલી શકે છે. રાજ્યનો એક પણ ઝોન એવો નથી કે જેના રાજકારણથી આઈ.કે.જાડેજા પરિચિત ન હોય. અગાઉ રાજ્ય સરકારમાં પણ આઈ.કે.જાડેજા મંત્રી તરીકે રહ્યાં છે અને ક્ષત્રિય સમાજનો પણ એક જાણીતો ચહેરો છે. આઈ કે જાડેજા નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. પરંતુ ઘણા લાંબા સમયથી તેઓ ચૂંટણી લડ્યા નથી.
બાબુભાઈ જેબલિયા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી: ગુજરાતના સંગઠનમાં ટોચની જવાબદારીમાં વધુ એક નામ સામે આવી રહ્યું છે અને તે છે બાબુભાઈ જેબલિયાનું. સામાન્ય લોકો માટે કદાચ બાબુભાઈ જેબલિયાનું નામ પરિચિત ન હોય પરંતુ તેઓ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે. બાબુભાઈ જેબલિયાનું જમાપાસુ છે સંગઠનમાં સ્વીકૃત વ્યક્તિ તરીકેની છબી. સંઘનું બેકગ્રાઉન્ડ પણ તેના જમાપાસામાં ઉમેરો કરે છે. આ સાથે જ તેઓ કાઠી-ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો પણ છે. બધાને સાથે રાખીને ચાલવાની તેમની વૃતિ પણ બાબુભાઈ જેબલિયાને આ રેસમાં આગળ કરવા માટે પૂરતી છે. કિસાન મોરચા માંથી જો કોઈને તક આપવામાં આવે તો તે તક બાબુભાઈને મળી શકે તેમ છે. બાબુ જેબલિયા માસ લીડર નથી.
પ્રદિપસિંહ જાડેજા:ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વધુ એક નામ જે ચર્ચામાં છે તે છે પ્રદિપસિંહ જાડેજાનું. પ્રદિપસિંહ જાડેજા હાલ લાઈમલાઈટથી દૂર છે. ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે અને રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ તેઓ કામગીરી સંભાળી ચુક્યા છે. પ્રદિપસિંહ જાડેજા સંગઠનમાં સ્વીકૃત બની શકે છે અને મોવડીમંડળની ગુડબુકમાં સ્થાન ધરાવે છે. પ્રદિપસિંહ જાડેજા પણ અમદાવાદના હોવાનું તેમને નડી શકે છે. કારણકે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ એક જ શહેરમાંથી લેવાનું જોખમ ભાજપ ઉઠાવે તેવી સંભાવના નહિવત છે.
પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા:પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાનું નામ પણ પ્રદેશ અધ્યક્ષની રેસમાં ચર્ચામાં છે. ગોરધન ઝડફિયાએ ધારાસભ્ય અને સાંસદની ટિકિટ માટે દાવેદારી કરી હતી. તેઓ હાલમાં પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ભૂતકાળમાં જાહેર મંચ પરથી મંત્રી તરીકે શપથ લેવાનો ઇનકાર કરી ચૂક્યા છે. ભાજપની સામે શિંગડા ભેરવી મહાગુજરાત જનતા પાર્ટી અને કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપ સામે બળવો તેનો માઇનસ પોઇન્ટ સાબિત થાય તેવી સંભાવના છે.
રજની પટેલ: ઉત્તર ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તો રજની પટેલ નિર્વિવાદિત ચહેરો છે. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય રજની પટેલ ગૃહ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને સરકાર અને સંગઠન બંનેનો અનુભવ છે. તેઓ પાટીદાર સમાજમાંથી આવે છે. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બંને એક જ સમાજમાંથી બનાવવાનું જોખમ ભાજપ લે તેવી સંભાવના ઓછી છે.
રાજ્યસભા સાંસદ મયંક નાયક: OBC સમાજની વાત કરીએ તો, મયંક નાયક જે હાલમાં જ રાજ્યસભા સાંસદ બન્યા છે અને તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુડ બુકમાં છે. મયંક નાયક OBC સમાજમાંથી આવે છે. OBCમાં રહેલા નાના સમાજનો ચહેરો છે. તેઓ હાલમાં પ્રદેશમાં OBC મોરચા અધ્યક્ષ છે અને જયારે તેમને રાજ્યસભા માટે પસંદ કરાયા ત્યારે તેઓ સર્વ સ્વીકૃત ચહેરો હતો.
નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સામે અનેક પડકારો:ભારતીય જનતા પાર્ટીમાં મોટા પાયે કોંગ્રેસ નેતાઓની ભરતી કરવામાં આવી છે. ભાજપ હવે કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. દરેક જિલ્લાઓમાં ભાજપમાં બે થી ત્રણ જૂથો સક્રિય થઈ ગયા છે. જૂથવાદનો રાજરોગ હવે કોંગ્રેસની માફક ભાજપમાં પણ પેસી ગયો છે. સત્તાનો સ્વાદ ચાકવા માટે પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પર કાબુ મેળવવો નવા પ્રમુખ માટે પડકાર જનક રહેશે. તેનો તાજુ ઉદાહરણ તાજેતરમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું નિવેદન છે. જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પર કટાક્ષ કર્યો છે. નવા પ્રમુખ માટે કોંગ્રેસ ગોત્રના નેતાઓને કાબુમાં રાખવા મુશ્કેલ બનશે.
પાર્ટી વિરુદ્ધ કામ કરનાર નેતાઓ સામે પગલા ભરવાનો પડકાર: ભાજપના નવા પ્રમુખ સામે સૌથી મોટો પડકાર લોકસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનાર નેતાઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો છે. અનેક જિલ્લાઓમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદો કમલમ સુધી પહોંચી છે. આ ફરિયાદો પર શું કાર્યવાહી થાય તેની પર સૌને મીટ મંડાયેલી છે.
આરએસએસ સાથે સંકલન સાધવાનો પડકાર: ચૂંટણી જીતવા માટે હવે ભાજપને આરએસએસની મદદની જરૂર નથી તેવા ભાજપ અધ્યક્ષ જે પી નડાના નિવેદનથી વિવાદ થયો હતો. આરએસએસના નેતાઓએ પણ ભાજપના નેતાઓ અભિમાની થઈ ગયા હોવાની માર્મિક ટિપ્પણી કરી હતી. સામાન્ય રીતે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના સમયમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં આરએસએસનો દબદબો હતો. દરેક નિર્ણાયક પદો પર આરએસએસના કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવતી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહના કાર્યકાળ દરમિયાન આરએસએસને ભાજપ પર પકડ ઢીલી પડી હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી નેતાઓને મહત્વ મળતું થયું છે. કેન્દ્ર સરકારમાં અને ગુજરાત સરકારમાં અને કોંગ્રેસી નેતાઓ કેબિનેટમાં મહત્વના પદો પર ગોઠવાઈ ગયા છે. જ્યારે આરએસએસના કાર્યકર્તાઓની સંગઠનમાં નિમણૂકો પ્રમાણમાં ઓછી થાય છે. તેથી સંઘ અને પક્ષ વચ્ચે સંકલન કરીને ચાલવું નવા પ્રદેશ અધ્યક્ષ માટે પડકાર જનક રહેશે.
- 29મી જૂન શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેશે - Gandhinagar News