દમણ: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે દમણ-દિવ લોકસભા બેઠક માટે કેતન પટેલના નામની જાહેરાત કરી છે. કેતન પટેલ દમણ-દિવના પૂર્વ કોંગ્રેસી સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના પુત્ર છે. જેઓ આ પહેલા 2014 અને 2019ની ચૂંટણી પણ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સામે લડી ચુક્યા છે. જે બન્ને ચૂંટણીમાં તેમણે હારનો સામનો કર્યો છે.
આગામી કેવી રહેશે કેતન પટેેલની રણનીતિ:કેતન પટેલે આ લોકસભા ચૂંટણીમાં દમણ દિવના યુવાનોને રોજગારી આપવા સાથે તેમની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દમણ દિવનો સર્વાંગી વિકાસ કોંગ્રેસના સમયમાં જ થયો હોવાનું જણાવી તેમને ભાજપ પર અને હાલના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા કે, ભાજપના સીટીંગ સાંસદ અને હાલના ઉમેદવાર લાલુભાઈ જે વાયદા કર્યા છે તે ફળીભૂત થયા નથી. ગત વર્ષે દમણ દિવ બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો. આ વખતે તેઓ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને સમજાવશે અને તેમની સાથે રહી ભાજપને હરાવવામાં મદદરૂપ થાય તેવો પ્રયાસ કરશે. દમણ દિવ પર કોંગ્રેસને વિજય અપાવી દમણ દિવનો સર્વાંગી વિકાસ કરશે. કેતન પટેલે આ વર્ષે લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ ડોર ટૂ ડૉર પ્રચાર સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે અને 20થી 25 હજારની લીડથી વિજય મેળવશે.
સતત ત્રીજી વખત કેતન પટેલને ટિકિટ:લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી માટે ભાજપે દમણ દિવની બેઠક માટે સતત 4થી વખત સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલને ટીકીટ આપી છે. તો, કોંગ્રેસે સતત 3જી વખત કેતન ડાહ્યાભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. કેતન પટેલ આ પહેલા વર્ષ 2014 અને 2019માં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બન્ને ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો છે.