અમેરિકા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન અમેરિકા પહોંચતા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અહેવાલ છે કે આ દરમિયાન બંને નેતાઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. બીજી ટર્મનો કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે ટ્રમ્પની આ પહેલી મુલાકાત હશે.
પીએમ મોદીને આવકારવા પહોંચ્યા ભારતીય નાગરિકો
વોશિંગ્ટનમાં બ્લેયર હાઉસની બહાર ભારતીય ઇમિગ્રન્ટ્સની ભીડ જોવા મળી રહી છે. ખરાબ હવામાન છતાં તેઓ પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે. ભારતીય પ્રવાસી સમુદાયના એક સભ્યએ કહ્યું કે, 'અમે વડાપ્રધાન મોદીનું અમેરિકામાં સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ.'
તિરંગાના રંગે રંગાયું અમેરિકા :વડાપ્રધાન મોદી બ્લેર હાઉસમાં રોકાશે. વ્હાઇટ હાઉસની મુલાકાતે આવેલા VVIP માટે આ એક ઐતિહાસિક ગેસ્ટ હાઉસ છે. બ્લેર હાઉસ 1651 પેન્સિલવેનિયા એવન્યુ ખાતે સ્થિત છે અને વ્હાઇટ હાઉસની બરાબર સામે સ્થિત છે. આ VVIP ગેસ્ટ હાઉસમાં પ્રમુખો, રાજવીઓ અને વિશ્વ નેતાઓની મહેમાનગતી કરવામાં આવે છે. આ તે સ્થાન છે જ્યાં સંબંધો બને છે અને ઇતિહાસ રચાય છે. પીએમ મોદીના સ્વાગત માટે બ્લેર હાઉસને ભારતીય ધ્વજથી શણગારવામાં આવ્યું છે.
પીએમ મોદી-યુએસ NIA ડિરેક્ટર તુલસી ગબાર્ડ મુલાકાત :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગે પીએમ મોદીએ ટ્વીટ કરતા લખ્યું, 'વોશિંગ્ટન ડીસીમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી. તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા. ભારત-યુએસ મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી, જેની તેઓ હંમેશા મજબૂત સમર્થક રહ્યા છે.
વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયને મળ્યા :વડાપ્રધાન મોદી સૌપ્રથમ બ્લેર હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેઓ રોકાણ કરશે. પીએમ મોદીએ અહીં એકઠા થયેલા ભારતીય સમુદાયના અભિવાદનનો સ્વીકાર કર્યો. તેમનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા. આમાંથી કેટલાક લોકોએ ભારત માતા કી જય અને મોદી-મોદીના નારા લગાવ્યા હતા. પીએમ મોદી બે દિવસીય અમેરિકાના પ્રવાસે આવ્યા છે.