માર્સિલે:ફ્રાન્સના માર્સિલેમાં પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંગળવારે (સ્થાનિક સમય અનુસાર) એક હોટલમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સમુદાય સાથેની મુલાકાત દરમિયાન પ્રવાસી સમુદાયના સભ્ય ઉત્કર્ષે વડાપ્રધાનને મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે, PM મોદીની માર્સિલે યાત્રા ભારત-ફ્રાન્સ સંબંધ મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
ભારતીય પ્રવાસી સમુદાયના સભ્ય ઉત્કર્ષે વડાપ્રધાન મોદીને મળ્યા બાદ કહ્યું, 'વડાપ્રધાન મોદીને મળીને મને ખૂબ આનંદ થયો. ફ્રાન્સના દક્ષિણમાં આવેલા માર્સિલેમાં આ તેમની પહેલી મુલાકાત હતી. વડાપ્રધાન મોદીએ રાત્રે રાહ જોવા બદલ અમારો આભાર માન્યો. માર્સિલેમાં તેમની મુલાકાત ભારત-ફ્રાન્સ સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
અન્ય એક સભ્ય પ્રિયંકા શર્માએ કહ્યું, 'અમે છેલ્લા 4 વર્ષથી અહીં રહીએ છીએ. મેં હમણાં જ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. તે અમને મળીને ખૂબ ખુશ થયા અને અમે પણ ખૂબ ખુશ હતા. તેમના આગમન પછી, વડાપ્રધાન મોદીએ માર્સિલેમાં ભારતીય કોન્સ્યુલેટના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ ભારત અને ફ્રાન્સ વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેૈંક્રો માર્સિલેમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. પેરિસમાં દૂતાવાસ પછી ફ્રાન્સમાં આ ભારતનું બીજું રાજદ્વારી મિશન છે. ભૂમધ્ય સમુદ્ર કિનારે તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે, માર્સિલે ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપાર માટે એક મુખ્ય પ્રવેશદ્વાર છે. તે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) માટે પ્રવેશ બિંદુઓમાંનું એક છે.
પોતાની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. રાષ્ટ્રપતિ મૈંક્રો સાથે PM મોદી, ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. આ ન્યુક્લિયર ફ્યુઝન સંશોધનમાં એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સહયોગ છે.