નવી દિલ્હી: ભારતે બુધવારે મોડી રાત્રે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરતાં કહ્યું હતું કે, તેમના બેદરકાર વર્તનથી ભારત-કેનેડા સંબંધોને જે નુકસાન થયું છે તેના માટે વડાપ્રધાન ટ્રુડો એકલા જવાબદાર છે. જસ્ટિન ટ્રુડોએ બુધવારે કબૂલાત કરતા કહ્યું હતું કે, તેમની સરકારે ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જર સિહની હત્યાના કથિત મામલામાં ભારતીય એજન્ટોની સંડોવણીના સંબંધમાં નવી દિલ્હીને માત્ર ગુપ્ત જાણકારી આપી છે, કોઈ પૂરાવા નથી આવ્યા. જે બાદ ભારતનું આ નિવેદન સામે આવ્યું છે.
જસ્ટીન ટ્રૂડોએ ભારત સામેના આરોપો પર આપી સ્પષ્ટતા
ફેડરલ ચૂંટણી પ્રક્રિયાઓ અને લોકશાહી સંસ્થાઓમાં વિદેશી હસ્તક્ષેપના આરોપોની જાહેર તપાસમાં કમિશન સમક્ષ જુબાની આપતા ટ્રુડોએ જણાવ્યું હતું કે, "મોદી સરકારનો વિરોધ કરનારા કેનેડિયન્સ વિશેની માહિતી ભારત સરકારને આપવામાં આવી હતી અને પછી લોરેન્સ બિસ્નોઈ ગેંગ જેવા ગુનાહિત સંગઠનોના માધ્યમથી આપવામાં આવેલી જાણકારીના પરિણામ સ્વરૂપે જમીન પર કેનેડિયન્સ વિરુદ્ધ હિંસા થઈ.'
તેમણે કહ્યું કે, જ્યારે કેનેડિયન એજન્સીઓએ ભારતને આરોપોની તપાસ કરવા કહ્યું ત્યારે નવી દિલ્હીએ પુરાવા માંગ્યા. તે સમયે તે મુખ્યત્વે ગુપ્ત માહિતી હતી, નક્કર પુરાવા નહીં. કેનેડાના વડાપ્રધાને કહ્યું, 'અમારી પાસે સ્પષ્ટ અને ચોક્કસપણે સ્પષ્ટ સંકેતો હતા કે ભારતે કેનેડાની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.'
માત્ર ગુપ્ત માહિતીના આધારે ભારત સામે આક્ષેપો
જસ્ટિન ટ્રુડોએ કહ્યું, 'ઉનાળામાં, ગુપ્તચર એજન્સીઓએ મને કહ્યું કે સરકાર નિજ્જરની હત્યામાં સામેલ હતી, પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ આંતરરાષ્ટ્રીય સંબંધ નહોતો. જોકે, ઓગસ્ટમાં કેનેડા અને ધ ફાઈવ આઈઝ પાસેથી મળેલી ગુપ્ત માહિતી પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત તેમાં સામેલ છે. અમે ભારતને કહ્યું કે, આ નક્કર પુરાવા નથી, પરંતુ તે માત્ર ગુપ્ત માહિતી છે.