પાકિસ્તાન :ગંભીર આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના લોકો ઈદનો તહેવાર ઉજવશે. પરંતુ સવાલ એ છે કે દેશમાં ભારે મોંઘવારી વચ્ચે જનતા નક્કી કરી શકતી નથી કે શું ખરીદવું અને શું છોડવું. ઈદનો પવિત્ર તહેવાર મુસ્લિમ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ તહેવાર સુખ અને પરસ્પર ભાઈચારામાં વધારો કરે છે. જોકે ઈદના તહેવાર પહેલા જ સમગ્ર પાકિસ્તાનમાં મોંઘવારીના ઘેરા વાદળો છવાઈ ગયા છે.
ઈદ ટાણે ફુગાવો : પાડોશી દેશમાં વધતી કિંમતો લોકોને પરંપરાગત ખરીદી અને મિજબાનીમાં સામેલ થવાથી રોકી રહી છે. ANI ના અહેવાલ મુજબ પાકિસ્તાનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ઊંચી કિંમતે ઘરના બજેટને વિખેરી નાખ્યું છે. પરિસ્થિતિ એવી છે કે ત્યાં રહેતા ઘણા પરિવારો ઈદ નિમિત્તે નવા કપડાં અને ભેટસોગાદો ખરીદવા અસમર્થ જણાય છે.
ચપ્પલની કિંમત જાણીને ચોંકી જશો :ગરીબી અને દુઃખથી ત્રસ્ત પાકિસ્તાનના લોકોનું કહેવું છે કે આ વખતે ખરીદારી તેમના બજેટની બહાર છે. કરાચીના રહેવાસી અબુ સુફિયાને જણાવ્યું કે. જ્યારે તે ઈદની ખરીદી માટે બજારમાં પહોંચ્યો તો સામાનની કિંમત જાણીને ચોંકી ગયો. પાકિસ્તાનમાં ચપ્પલની કિંમત રૂ. 1,500 થી રૂ. 2,000 (પાકિસ્તાની રૂપિયા) સુધીની છે. આ વખતે પાકિસ્તાનમાં ચપ્પલની કિંમતમાં 700 રૂપિયાથી લઈને 800 રૂપિયા સુધીનો મોટો વધારો થયો છે. અબુ સુફિયાને કહ્યું કે તે દર મહિને 60 હજાર રૂપિયા કમાય છે. પરંતુ મોંઘવારીને કારણે તે જરૂરી વસ્તુઓ ખરીદી શકતો નથી.
મોંઘવારીની ચરમસીમા :વિચારવા જેવી વાત એ છે કે જો વ્યક્તિ સારી એવી રકમ કમાઈને પણ ઈદના તહેવાર પર ભેટ અને અન્ય વસ્તુઓ ખરીદી શકતો નથી તો ઓછી આવક ધરાવતા અને અન્ય ગરીબ લોકો ઈદનો તહેવાર કેવી રીતે ઉજવશે, આ સૌથી મોટો પ્રશ્ન છે. તમને જણાવી દઈએ કે રમઝાનનો પવિત્ર મહિનો થોડા જ દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં મોંઘવારીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે ઈદની ઉજવણી કરવી ઘણી મુશ્કેલ સાબિત થઈ રહી છે.
પાક. જનતા ઈદ કેવી રીતે ઉજવશે ?મોંઘવારીનો સામનો કરી રહેલા અન્ય એક વ્યક્તિ આફતાબ અહેમદે જણાવ્યું હતું કે, વર્તમાન મોંઘવારીના દબાણે લોકો પર ઘણો બોજ નાખ્યો છે. જેના કારણે તેમનું દૈનિક જીવન ખૂબ જ પડકારજનક બની ગયું છે. સમગ્ર દેશમાં હાલની સ્થિતિ ચિંતાજનક છે. ચપ્પલથી માંડીને કપડા સુધી રોજબરોજની જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં લોકો હવે વડાપ્રધાન શરીફને પેટ્રોલના ભાવ ઘટાડવા વિનંતી કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે પેટ્રોલમાં ભાવ ઘટાડાથી કેટલાક લોકો પર આર્થિક તણાવ ઓછો થશે અને ઇદના તહેવાર દરમિયાન ખરીદી કરી શકશે. નહીંતર ઈદની ઉજવણી કરવી ખૂબ મુશ્કેલ બની જશે.
ખાલીખમ બજાર :એક પાકિસ્તાની દુકાનદાર ઝીશાને જણાવ્યું હતું કે, ફુગાવાએ પાકિસ્તાનમાં બજારને બરબાદ કરી દીધું છે. જોકે તહેવારોની સિઝનમાં ચહલપહલ જોવા મળે છે, પરંતુ મોંઘવારીના કારણે લોકો ઘરની બહાર નીકળીને બજારમાં પહોંચતા પહેલા ઘણું વિચારે છે. એવા ઘણા લોકો છે જેઓ આ સમયે ગંભીર આર્થિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.
ભોજન માટે સંઘર્ષ :આવી સ્થિતિમાં તેઓ તહેવાર પર તેમના પરિવાર, પડોશીઓ અને સંબંધીઓ માટે શું ખરીદી શકશે ? પાકિસ્તાનના લોકોએ જે કહ્યું તે સાંભળીને કદાચ તમે પણ દુઃખી થશો. પાકિસ્તાનમાં કેટલાક લોકોએ કહ્યું કે તેમને ખોરાક જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે. એકંદરે પરંપરા જાળવવાના તમામ પ્રયાસો છતાં સમગ્ર પાકિસ્તાનમાં આ વર્ષની ઈદની ઉજવણી પર મોંઘવારીનો માર પડશે.
- તાઈવાનમાં જોરદાર ભૂકંપ, એકનું મોત, 50થી વધુ ઘાયલ, જાપાનમાં સુનામીની ચેતવણી
- પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ, રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતર્યા