મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને તેમનો પરિવાર બુધવારે (20 નવેમ્બરે) મતદાન મથક પર પહોંચ્યા હતા. મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી, આકાશ અંબાણીએ પત્ની શ્લોકા સાથે મુંબઈના એક મતદાન મથક પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારના સભ્યોએ આજે બપોરે મતદાન કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે તેમનો મત આપ્યા પછી, અંબાણી પરિવારે પોલિંગ બૂથની બહાર મીડિયાને તેમની શાહીવાળી આંગળીઓ બતાવી. જ્યારે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો.
મહારાષ્ટ્ર ચૂંટણી 2024 માટે પોતાનો મત આપ્યા પછી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'મેં હમણાં જ મારો મત આપ્યો છે. મુંબઈના નાગરિક તરીકે મારા મતના અધિકારનો ઉપયોગ કરવો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. હું આશા રાખું છું કે તમામ મુંબઈવાસીઓ આજે મતદાન કરવા માટે બહાર આવશે.'
તાજેતરના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં સિંગલ ફેઝ વિધાનસભા ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધી 45.53 ટકા મતદાન થયું છે. ઝારખંડમાં આજે બીજા અને છેલ્લા તબક્કા માટે પણ મતદાન થયું હતું. ઝારખંડમાં બપોરે 3 વાગ્યા સુધી 61.47 ટકા મતદાન થયું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 288 બેઠકો અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બુધવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.
આ પણ વાંચો:
- સલમાન ખાને હાઈ-ટેક સુરક્ષા ડ્રોન વચ્ચે આપ્યો મત, ચાહકોને ફ્લાઈંગ કિસ આપતા જોવા મળ્યો સ્ટાર
- 'લાપતા લેડીઝ'એ જાપાનીઝ બોક્સ ઓફિસ પર 'પઠાણ' અને 'સાલાર'ને પછાડી, જોરદાર કમાણી કરી, જુઓ યાદી