નવી દિલ્હી :આવકવેરા વિભાગે સમગ્ર દેશમાં કર્મચારીઓ સાથે સંબંધિત વિવિધ કલમો હેઠળ ખોટા રિફંડના ઘણા કેસ શોધી કાઢ્યા છે. જે અનુસાર કરદાતાઓ વિવિધ કલમો હેઠળ કપાત અને રિફંડના ખોટા ક્લેઈમ કરી રહ્યા છે.
કરદાતાઓ કરી રહ્યા છે ખોટા ક્લેમ :ઉચ્ચ સ્થાનીય સત્તાવાર સૂત્રોએ ETV Bharat ને જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ શોધ, જપ્તી અને તપાસ કામગીરી દરમિયાન એવું બહાર આવ્યું છે કે, વિવિધ વ્યક્તિઓ કલમ 80C, 80D, 80E, 80G, 80GGB, 80GGC વગેરે હેઠળ તેમના ITR માં કપાતનો ખોટો દાવો કરી રહ્યા છે, જેનાથી ભારત સરકારને ચૂકવવાપાત્ર કરમાં ઘટાડો થાય છે.
ખોટી કપાત અથવા રિફંડનો દાવો :સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આવા વ્યક્તિઓ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (સરકારી કંપનીઓ), મોટી કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC), LLP, ખાનગી લિમિટેડ કંપનીઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓના કર્મચારીઓ છે. વધુમાં, તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક અનૈતિક તત્વોએ ખોટી કપાત અથવા રિફંડનો દાવો કરીને કરદાતાઓને ગેરમાર્ગે દોર્યા છે.
90,000 કરદાતાઓએ વધારાનો ટેક્સ ભર્યો :આવકવેરા વિભાગ કંપનીઓ સાથે આઉટરીચ પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. જેથી ITR માં ખોટી કપાતનો દાવો કરવાના પરિણામો વિશે જાગૃતિ લાવી શકાય અને કરદાતાઓ દ્વારા થયેલી ભૂલને સુધારવા માટે લેવામાં આવતા સુધારાત્મક પગલાં વિશે જણાવી શકાય. ડેટા અનુસાર 31 ડિસેમ્બર, 2024 સુધી લગભગ 90,000 કરદાતાઓએ તેમના ITR માં આશરે રૂ. 1070 કરોડની કપાતના ખોટા દાવા પાછા ખેંચી લીધા અને વધારાનો ટેક્સ ચૂકવ્યો છે.