નવી દિલ્હીઃકુસ્તી છોડીને રાજનીતિમાં એન્ટ્રી કરનાર ભૂતપૂર્વ મહિલા રેસલર વિનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. આ સાથે ઓલિમ્પિકમાં જીત્યા બાદ પણ મેડલ ન મેળવનાર વિનેશ ફોગાટે સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. હરિયાણા અને જુલાનાના લોકોએ વિનેશ ફોગાટને 5,961 મતોથી ચૂંટીને વિધાનસભામાં મોકલી છે.
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જે બાદ વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને પાર્ટીએ પણ તેમને જુલાના સીટ પરથી ઉમેદવાર બનાવ્યા.
જંતર-મંતર પર સંઘર્ષ : આ પહેલા વિનેશ તેના સાથી ખેલાડીઓ સાથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને કારણે લાંબા સમયથી સમાચારમાં રહી હતી. જ્યાં તેણે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જંતર-મંતર પર તેમનો વિરોધ ઘણા દિવસો સુધી ચાલુ રહ્યો અને દેશમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો.
વિનેશ 53 થી 50 કિગ્રા કેટેગરીમાં રમી હતી: જે બાદ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી હતી અને 53 કિગ્રા કેટેગરીમાં લડી રહેલી વિનેશે હાર ન સ્વીકારી અને 50 કિગ્રા કેટેગરીમાં લડવાનું નક્કી કર્યું. કારણ કે, તે કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને 10 કિગ્રા વર્ગમાં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જોકે, ફાઈનલના દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
તેણે ગેરલાયક ઠેરાવાયા પછી, ભારતીય ઓલિમ્પિક સંઘે વિનેશ ફોગાટને સંયુક્ત મેડલ આપવા માટે CASને અપીલ કરી હતી. જોકે, CASએ સુનાવણી બાદ તેમની અપીલ ફગાવી દીધી હતી. CAS એ અપીલને ફગાવી દેતાં વિનેશ ફોગાટનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું.