નવી દિલ્હી:સંસદનું શિયાળુ સત્ર 2024-25 નવેમ્બરથી શરૂ થયું. ત્યારથી ગૃહની કાર્યવાહીમાં ગરમા ગરમી જોવા મળી હતી. આજે સોમવારે પણ વિરોધ પક્ષોએ ગૃહની બહાર અને અંદર હંગામો કર્યો હતો. અદાણી મુદ્દે ચર્ચાની માંગને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર પ્રહારો કરી રહી છે.
અગાઉ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહની કાર્યવાહી શરૂ કરતા પહેલા કહ્યું હતું કે, દેશ સામેના કેટલાક મુદ્દાઓને 'રાજકીય દૃષ્ટિ'થી જોવું જોઈએ નહીં અને કોંગ્રેસ પાર્ટી અને તેના કાર્યકરોને 'ભારત વિરોધી શક્તિઓ' સામે એક થઈને લડવા વિનંતી કરી. ' જ્યોર્જ સોરોસ અને સોનિયા ગાંધી વચ્ચેના સંબંધો પર તેમણે કહ્યું કે, આ મામલો પ્રકાશમાં આવ્યો છે, અમે તેને કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી અને પાર્ટીની રાજનીતિ સાથે જોડાયેલા મુદ્દા તરીકે જોતા નથી. જો તે ભારત વિરોધી શક્તિઓ સાથે સંબંધિત છે, તો આપણે તેને ગંભીરતાથી લેવું જોઈએ.
કિરેન રિજિજુએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અને અન્ય પક્ષોને કહેવામાં આવ્યું છે કે અમે 13 અને 14 ડિસેમ્બરે (લોકસભામાં) અને 16 અને 17 ડિસેમ્બરે (રાજ્યસભામાં) બંધારણ પર ચર્ચા કરીશું. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓને અપીલ કરવા માંગુ છું કે, જો તેમના નેતાઓના પણ ભારત વિરોધી શક્તિઓ સાથે સંબંધ હોવાનું જણાય છે, તો તેઓએ પણ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ અને આપણે એક થઈને વિરોધીઓ સામે લડવું જોઈએ.