નવી દિલ્હી : વક્ફ (સુધારા) બિલ, 2024 પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં સમાવિષ્ટ વિપક્ષી સાંસદોએ શુક્રવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ 27 જાન્યુઆરીની સૂચિત બેઠક મોકૂફ રાખવાની માંગણી કરી છે.
JPC અધ્યક્ષની કાર્યપદ્ધતિ પર સવાલ :JPC સભ્ય એ. રાજા, કલ્યાણ બેનર્જી, અસદુદ્દીન ઓવૈસી, નસીર હુસૈન, અરવિંદ સાવંત, ગૌરવ ગોગોઈ, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસૂદ, મોહિબુલ્લા નદવી, એમ. અબ્દુલ્લા વતી આ લખાયો હતો. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, જગદંબિકા પાલ મનસ્વી રીતે બેઠકની તારીખ બદલી રહ્યા છે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં જ્યારે સમિતિમાં સમાવિષ્ટ વિપક્ષી સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો અને પોતાનો અભિપ્રાય રજૂ કરવા ઉભા થયા ત્યારે તેમણે વિપક્ષના 10 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
બેઠકની તારીખ બદલવા પર વાંધો :વિપક્ષી સાંસદોએ કહ્યું કે તેમના વાંધાઓ હોવા છતાં, પહેલા 24 અને 25 જાન્યુઆરીએ JPC બેઠક નક્કી કરવામાં આવી હતી. બાદમાં શુક્રવારે સવારે કહેવામાં આવ્યું કે, 25 જાન્યુઆરીની બેઠક 27 જાન્યુઆરીએ યોજાશે. અગાઉના નિયત સમયપત્રકના આધારે સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં તેમના કાર્યક્રમો નક્કી કર્યા છે. ઉપરાંત 30 જાન્યુઆરીએ આ બેઠકનું આયોજન કરવા વિનંતી કરી જેથી તમામ સભ્યો તેમના મંતવ્યો રજૂ કરી શકે, કારણ કે આ એક મહત્વપૂર્ણ બિલ છે.