નવી દિલ્હી:ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEI) ટૂંક સમયમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તેમના ડિગ્રી પ્રોગ્રામ્સની પ્રમાણભૂત અવધિને બદલે તેમના અભ્યાસની અવધિ ટૂંકાવવા અથવા વધારવાનો વિકલ્પ ઓફર કરી શકશે. UGCના અધ્યક્ષ જગદેશ કુમારે આ અંગે જણાવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ આ અઠવાડિયે એક મીટિંગમાં એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામ (ADP) અને એક્સટેન્ડેડ ડિગ્રી પ્રોગ્રામ (EDP) ઓફર કરવા માટે HEI માટે SOPsને મંજૂરી આપી છે. ડ્રાફ્ટ ધોરણો હવે હિતધારકોના પ્રતિસાદ માટે જાહેર ડોમેનમાં મૂકવામાં આવશે.
વિદ્યાર્થીઓને આપવામાં આવતી ડિગ્રીમાં એક ખાસ નોંધનો ઉલ્લેખ કરવામાં આવશે કે પ્રમાણભૂત સમયગાળામાં જરૂરી શૈક્ષણિક આવશ્યકતાઓ ટૂંકા અથવા વિસ્તૃત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી છે. તેઓને શૈક્ષણિક અને ભરતી હેતુઓ માટે પ્રમાણભૂત સમયગાળાની ડિગ્રી સાથે સમાન ગણવામાં આવશે. ટોચની વિદેશી યુનિવર્સિટીઓ પણ વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી નિયત સમય કરતાં વહેલા કે પછી પૂરી કરવાનો વિકલ્પ આપે છે.
શીખવાની ક્ષમતા મુજબ, વિકલ્પ પસંદ કરી શકશે વિદ્યાર્થી
UGC અધ્યક્ષ જગદેશ કુમારે PTIને જણાવ્યું કે, "વિદ્યાર્થીઓ આ વિકલ્પનો ઉપયોગ તેમની શીખવાની ક્ષમતાના આધારે તેમના અભ્યાસનો સમયગાળો ઘટાડવા અથવા લંબાવવા માટે કરી શકે છે. ADP વિદ્યાર્થીઓને સેમેસ્ટર દીઠ વધારાની ક્રેડિટ કમાઈને ઓછા સમયમાં ત્રણ-વર્ષ અથવા ચાર-વર્ષની ડિગ્રી પૂર્ણ કરવાની મંજૂરી આપે છે, જ્યારે EDP સેમેસ્ટર દીઠ ઓછી ક્રેડિટ સાથે વિસ્તૃત સમયરેખાને સક્ષમ બનાવે છે."
તેમણે કહ્યું કે, "ADP અને EDP હેઠળ, વિદ્યાર્થીઓ પ્રમાણભૂત-અવધિના પ્રોગ્રામની સમાન કુલ ક્રેડિટ મેળવે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે સમિતિઓની સ્થાપના કરશે. આ ડિગ્રીઓ તમામ રોજગાર અને શૈક્ષણિક હેતુઓ માટે પ્રમાણભૂત સમયગાળાની ડિગ્રીની સમકક્ષ હશે."
પ્રવેશના 10 ટકા વિદ્યાર્થીઓને ADP માટે મંજૂરી
SOPs અનુસાર, સંસ્થાઓ સ્વીકૃત પ્રવેશના 10 ટકા ADP માટે મંજૂર કરી શકે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ EDP અને ADP હેઠળ પ્રથમ કે બીજા સત્રના અંતે મળેલી અરજીઓની ચકાસણી કરવા માટે એક સમિતિની રચના કરી શકે છે અને તે મુજબ વિદ્યાર્થીઓની પસંદગી કરી શકે છે. ADP માં, વિદ્યાર્થીઓ પ્રમાણભૂત સમયગાળા માટે પ્રોગ્રામ માટે નિર્ધારિત સમાન અભ્યાસક્રમ સામગ્રી અને કુલ ક્રેડિટ્સનું પાલન કરશે.
કેવી રીતે પસંદ કરી શકશે કોર્ષનો સમયગાળો?
કુમારે કહ્યું કે, "માત્ર ફેરફાર કાર્યક્રમની અવધિમાં હશે. વિદ્યાર્થીઓ પાસે પ્રથમ સત્રના અંતે અથવા બીજા સત્રના અંતે ADP પસંદ કરવાનો વિકલ્પ હશે અને તે પછી નહીં. ADP પસંદ કરનારા વિદ્યાર્થીઓ બીજા કે ત્રીજા સેમેસ્ટરથી શરૂ થનારા પ્રત્યેક સેમેસ્ટરમાં વધારાના ક્રેડિટ પ્રાપ્ત કરશે, આ એમના પર નિર્ભર કરશે કે તેઓ ADPમાં ક્યારે જાય છે."