અયોધ્યાઃરામનગરી અયોધ્યામાં છ દિવસ સુધી ચાલેલા ધાર્મિક અનુષ્ઠાન બાદ આજે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક દેશી-વિદેશી મહેમાનો સહભાગી થઈ રહ્યાં છે. રવિવારે રામલલાને 125 કળશના પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ શૈયાધિવાસ સંસ્કાર મુજબ હાલરડુ ગાઈને તેમને સુવાડવામાં આવ્યાં હતાં. સોમવારે વહેલી સવારે તાળીઓના ગડગડાટ અને શુભ નાદ સાથે રામલલા જગાડવામાં આવ્યાં હતાં. તેમને આંખો ખોલતા જ તેમને તરત દર્પણ બતાવવામાં આવ્યો હતો.
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મંગળવારથી જ 6 દિવસીય અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યો હતો. આજે મુખ્ય કાર્યક્રમ યોજાનાર છે. મંગળવારે પ્રાયશ્ચિત અને કર્મ કુટી પૂજા કરવામાં આવી હતી. બુધવારે રામલલાની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરવામાં આવી હતી. અને ત્યારે બાદ રામ લલ્લાની મૂર્તિને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ગુરૂવારે તીર્થયાત્રા, જળયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસનો કાર્યક્રમ યોજાયો હતો. રામલલાની મૂર્તિને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સાંજે, તેમના શરીરને સુગંધિત પદાર્થોનો લેપ કરવામાં આવ્યો હતા. ત્યાર બાદ શુભ મુહૂર્તમાં રામલલાને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરી દેવામાં આવ્યા હતા.
પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે, અભિજીત મુહૂર્ત 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12:29 મિનિટ 8 સેકન્ડથી લઈને 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના રોજ, પોષ મહિનાની દ્વાદશી તિથિએ અભિજીત મુહૂર્ત, ઇન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન અને વૃશ્ચિક નવમશા પર થશે. આ શુભ મુહૂર્ત 12:29 મિનિટ અને 08 સેકન્ડથી 12:30 મિનિટ અને 32 સેકન્ડ સુધીનું રહેશે. એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા માટેનું શુભ મુહૂર્ત 84 સેકન્ડનું રહેશે.