નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે નાગરિકતા અધિનિયમની કલમ 6A ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું, જે આસામ સમજૂતીને આગળ વધારવા માટે 1985 માં સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે બહુમતી ચુકાદો સંભળાવ્યો, જ્યારે જેબી પારડીવાલાએ અસંમતિ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટનું સૂચન :ગત 7 ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને નાગરિકતા અધિનિયમ, 1955 ની કલમ 6A(2) દ્વારા ભારતીય નાગરિકત્વ આપવામાં આવેલા ઇમિગ્રન્ટ્સની સંખ્યા અને ભારતીય પ્રદેશમાં ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે અત્યાર સુધી કયા પગલાં લેવામાં આવ્યા છે, તેની વિગતો આપવા અને ડેટા સબમિટ કરવા સૂચના આપી હતી. આ મામલે નિર્ણય ડિસેમ્બર 2023 સુધી અનામત રાખવામાં આવ્યો છે.
જસ્ટિસ સૂર્યકાન્તે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે 25 માર્ચ, 1971 ની કટ-ઓફ તારીખ પછી જે લોકો બાંગ્લાદેશથી આસામમાં પ્રવેશ્યા છે, તેઓને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જાહેર કરવામાં આવે છે. આ રીતે કલમ 6A તેમના માટે અર્થહીન માનવામાં આવે છે. કેન્દ્ર સરકારે એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે ભારતમાં વિદેશીઓના ગેરકાયદેસર સ્થળાંતરની હદ વિશે સચોટ ડેટા પ્રદાન કરી શકશે નહીં, કારણ કે આવા સ્થળાંતર ગુપ્ત રીતે થાય છે.
નાગરિકતા અધિનિયમની કલમ 6A :તમને જણાવી દઈએ કે, સેક્શન 6A એ એક વિશેષ જોગવાઈ હતી, જે 1955ના કાયદામાં 15 ઓગસ્ટ, 1985 ના રોજ તત્કાલીન રાજીવ ગાંધી સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલ 'આસામ એકોર્ડ' નામના સમજૂતી પત્રને આગળ વધારવા માટે સામેલ કરવામાં આવી હતી. કલમ 6A હેઠળ 1 જાન્યુઆરી, 1966 પહેલા આસામમાં પ્રવેશનાર અને રાજ્યમાં 'સામાન્ય રીતે નિવાસી' વિદેશીઓને ભારતીય નાગરિકોના તમામ અધિકારો અને જવાબદારી મળશે. જે લોકો 1 જાન્યુઆરી, 1966 અને માર્ચ 25, 1971 વચ્ચે રાજ્યમાં પ્રવેશ્યા હતા, તેઓને સમાન અધિકાર અને જવાબદારી હશે, સિવાય કે તેઓ 10 વર્ષ સુધી મતદાન કરી શકશે નહીં.
અરજીકર્તાઓએ કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા કે, કલમ 6A લાગુ કરવા માટે સરહદી રાજ્યોમાં માત્ર આસામને જ કેમ પસંદ કરવામાં આવ્યું. તેમણે સેક્શન 6Aના પરિણામે અથવા તેના પ્રભાવ હેઠળ ઘૂસણખોરીમાં વધારાને જવાબદાર ઠેરવ્યો હતો.