મુંબઇ : કેન્દ્ર સરકારનું આ વર્ષનું લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે ત્યારે શેરબજારમાં મોટી હલચલ જોવા મળી નથી. બજેટ રજૂ થયાં બાદ શેરબજાર પોતાના પ્રતિભાવરુપે ઝડપી વધઘટ દર્શાવતું જોવા મળશે. બહેરહાલ, ગઇકાલના શેરબજારમાં ક્લોઝિંગ બેલની વાત જોઇ લઇએ. ગઇકાલે BSE Sensex 612 પોઈન્ટ ઉછળીને 71,752 ની સપાટીએ બંધ થયો હતો. તો NSE Nifty ઈનડેક્સ પણ વધીને 21,726 પર બંધ થયેલો જોવા મળ્યો હતો. ત્યારે આજે બજેટના દિવસે શેર માર્કેટ ઓપન થતાં જ સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળીને 71,747.63 પર ખુલ્યો હતો. તો નિફ્ટી 0.01 ટકાના ઘટાડા સાથે 21,724 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેરબજારનું સેન્ટિમેન્ટ બજેટ અગાઉ તેજીમય :શેરબજારમાં બજેટ રજૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. લોકસભા ચૂંટણી 2024નું આ અંતરિમ બજેટ હોવાથી આ બજેટ અર્થતંત્રને વેગ આપવાવાળું અને ઉદ્યોગો તેમ જ સામાન્ય જનતાનું હશે તેવી આશા વચ્ચે શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. જીએસટીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તેમ જ રાજકોષીય ખાધ તેના લક્ષ્યના 55 ટકા સુધી પહોંચી છે જે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ નિશાની છે. આગામી વર્ષે ભારતનો આર્થિક વૃદ્ધિદર સાડાસાત ટકા રહેવાની ધારણા સેવાઇ રહી છે જે વિશ્વની ઇકોનોમીની સરખામણીએ વધારે છે. આમ તમામ પોઝિટિવ સંકેતો પાછળ શેરબજારનું સેન્ટિમેન્ટ બજેટ અગાઉ તેજીમય રહ્યું છે.