રાજસ્થાન :ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં (IIT) પ્રવેશ માટે દર વર્ષે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સ્ડ (JEE ADVANCED) લેવામાં આવે છે. જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ મેઇનમાં (JEE MAIN) ક્વોલિફાય થયેલા ઉમેદવારો આ પરીક્ષા આપે છે. પરંતુ દર વર્ષે JEE એડવાન્સ્ડમાં કેટલાક ફેરફારો થાય છે, જેમાં પરીક્ષા પેટર્ન અને માર્કિંગ સ્કીમમાં ફેરફારથી લઈને વ્યક્તિગત વિષયના કટ ઓફ સુધીના નિયમો લાગુ થાય છે. ઉપરાંત તેની ઓર્ગેનાઈજિંગ એજન્સી પણ દર વર્ષે નવી IIT હોય છે. તેથી જ આ પરીક્ષાને વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. આ પરીક્ષાના ઈતિહાસમાં આજ સુધી કોઈ ઉમેદવાર પરફેક્ટ સ્કોર કરી શક્યો નથી.
એક્ઝામ પેટર્નમાં સતત બદલાવ :શિક્ષણ નિષ્ણાંત દેવ શર્માએ જણાવ્યું હતું કે, JEE એડવાન્સ્ડ પ્રવેશ પરીક્ષાની પેટર્ન JEE મેઈન્સ અને NEET UG પ્રવેશ પરીક્ષાની જેમ અગાઉથી જાહેર કરવામાં આવતી નથી. આ પરીક્ષાની સૌથી મોટી વિશેષતા છે. આ પ્રવેશ પરીક્ષાની એક્ઝામ પેટર્ન દર વર્ષે બદલાય છે. પાછલા વર્ષોના પ્રશ્નો અહીં પુનરાવર્તિત થતા નથી. હકીકત અને સૂત્ર આધારિત પ્રશ્નો પણ અહીં પૂછવામાં આવતા નથી. પરીક્ષામાં હંમેશા ક્રિટિકલ થિંકિંગ પર આધારિત બહુ-સંકલ્પનાત્મક પ્રશ્નો પૂછવામાં આવે છે. આ કારણોસર આજ સુધી કોઈ ઉમેદવાર આ પરીક્ષામાં 100 ટકા માર્ક મેળવી શક્યો નથી. JEE એડવાન્સ 2024 ની પરીક્ષા પેટર્નને લઈને ઘણી અટકળો કરવામાં આવી રહી છે. પ્રશ્નોની સંખ્યા, માર્કિંગ પેટર્ન, નેગેટિવ માર્કિગ અને પૂર્ણાંકો અંગે નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે.
પૂર્ણાંક બદલાયા નથી, પ્રશ્નો ઓછા થયા : દેવ શર્માએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષ 2021, 2022 અને 2023 માં JEE એડવાન્સ પ્રશ્નપત્રના પૂર્ણાંક ગુણ 360 રહ્યા હતા. પરંતુ પ્રશ્નોની સંખ્યા અને પરીક્ષા પેટર્ન અલગ રહી હતી. વર્ષ 2022માં પેપર-1 અને પેપર-2માં 57-57 પ્રશ્નો હતા, એટલે કે કુલ 114 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે 2023માં પેપર-1 અને પેપર-2માં 54-54 પ્રશ્નો હતા, એટલે કે 108 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોકે, અગાઉ વર્ષ 2020માં 396 માર્ક અને વર્ષ 2019માં 372 માર્કસનું પ્રશ્નપત્ર હતું.